દિલ્હી-

ભારતમાં કોરોનાના નવા કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. આજે કેન્દ્રીય મંત્રાલય દ્વારા નવા જાહેર કરાયેલા દૈનિક આંકડા પ્રમાણે નવા કેસમાં ગઈકાલની સરખામણીમાં ઘટાડો થયો છે જાેકે, મૃત્યુઆંક વધ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે નાગરિકોને બહાર નીકળે ત્યારે કોવિડ-૧૯ ગાઈડલાઈનનું પાલન કરવાની સતત સૂચનાઓ આપવામાં આવી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ઓક્સિજનની સ્થિતિ અને જરુરિયાત અંગે હાઈ લેવલની બેઠક પણ યોજના છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના નવા ૪૩,૩૯૩ કેસ નોંધાયા છે જે આંકડો ગઈકાલે ૪૫,૮૯૨ હતો. જ્યારે મૃત્યુઆંક ગઈકાલે ૮૧૭ હતા તે આજે વધીને ૯૧૧ થયા છે. આજે દેશમાં કોરોનાના નવા કેસની સરખામણીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સામાન્ય વધુ નોંધાઈ છે.ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૪,૪૫૯ દર્દીઓ સાજા થયા છે જેની સાથે સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને ૨,૯૮,૮૮,૨૮૪ પર પહોંચી છે. જ્યારે કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩,૦૭,૫૨,૯૫૦ થઈ ગઈ છે. વધુ ૯૧૧ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪,૦૫,૯૩૯ થઈ ગયો છે.

ભારતમાં કોરોનાના સાજા થનારા દર્દીઓની સંખ્યા વધવાથી એક્ટિવ કેસની સંખ્યા ૪,૫૮,૭૨૭ પર પહોંચી ગઈ છે. જે પ્રમાણે ગયા અઠવાડિયે કોરોનાના નવા કેસની સંખ્યા ૪૦ હજારની અંદર પહોંચી ગઈ હતી તેમાં વધારો નોંધાયો છે. આ કારણે હિલ સ્ટેશન અને હરવા-ફરવાના સ્થળો તથા બજારોમાં વધતી ભીડના લીધે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.ભારતમાં ૧૬ જાન્યુઆરીએ કોરોના રસી અભિયાન કરવામાં આવ્યો હતો જેમાં ગઈકાલ સુધીમાં કુલ ૩૬,૮૯,૯૧,૨૨૨ ડોઝ આપવામાં આવ્યા છે જેમાં ૯ જુલાઈના રોજ વધુ ૪૦,૨૩,૧૭૩ ડોઝ આપવામાં આવ્યા છે.આઇસીએમઆર મુજબ ભારતમાં કોરોનાની તપાસ માટે ૯ જુલાઈ સુધીમાં કુલ ૪૨,૭૦,૧૬,૬૦૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ ૧૭,૯૦,૭૦૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ભારતમાં કોરોના વાયરસના ૨૦ લાખ કેસ ૭ ઓગસ્ટના રોજ થયા હતા, આ પછી ૨૩ ઓગસ્ટે ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ પર પહોંચી ગયા હતા. આ પછી ૬૦ લાખ પહોંચતા ૨૮ સપ્ટેમ્બર સુધીનો ટૂંકો સમય લાગ્યો હતો. જે પછી ૧૧ ઓક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે કોરોનાના કુલ કેસનો આંકડો ૧ કરોડને પાર થઈ ગયો હતો. આ પછી ૧૯ એપ્રિલે ભારતમાં કોરોના કુલ કેસનો આંકડો ૧.૫૦ કરોડને પાર થયો હતો. ૪ મેના કેસ સાથે આ આંકડો ૨ કરોડને પાર કરી ગયો છે. ૧૮મેના રોજ જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ હતી. ૨૩ મેના નવા કેસ સાથે કુલ કેસ ૩ કરોડને પાર થઈ ગયા છે.