વડોદરા

જિલ્લા એલસીબી પોલીસે ગત મોડી સાંજે કરજણ ભરથાના ટોલનાકા પાસેથી ઝડપી પાડેલા આઇસર ટેમ્પોમાંથી ૧૦ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂનો જથ્થો આઈસર ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત ૧૭.૧૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પોચાલક નહીં અટકાયત કરી હતી.

જિલ્લા એલસીબી પોલીસને ગઈકાલે માહિતી મળી હતી કે હાઈવે પર કરજણ નજીક ભરથાણા ગામના સીમમાં આવેલા ટોલનાકા પાસેથી એક આઈસર ટેમ્પોમાં વિદેશી દારુનો જથ્થો મુંબઈ તરફ ફરીને વડોદરા તરફ જવાનો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે ભરથાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને મોડી સાંજે બાતમી મુજબના આવેલા મરૂન રંગના આઈસર ટેમ્પો ને ઝડપી પાડયો હતો.પોલીસે ટેમ્પોચાલક વિજયકુમાર અમરાજી પુરોહિત (રહે કુડાદવેસાગામ, જિલ્લા ઝાલોર, રાજસ્થાન )ની પૂછપરછ કરી હતી તેમજ તેને સાથે રાખી ને આઇસર ટેમ્પોમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટેેમ્પોમાં ખાખી રંગના ખાલી વપરાયેલા બોક્સની નીચે છુપાવેલી વિદેશી દારૂની ૨૨૮ પેટી તેમજ ૩૧૫૬ બિયરની બોટલો સહિત ૧૦,૦૬,૮૦૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો ગેરકાયદે હોવાની જાણ થતાં પોલીસે દારૂ- બિયરનો જથ્થો, આઇસર ટેમ્પો, એક મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી સહિત ૧૭,૧૨,૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આઈસરટેમ્પો ચાલક વિજયકુમારની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે રાજસ્થાન ધોરીમાના ખાતે રહેતા રામલાલ ભીખારામ બિશ્નોઈ અને સુરેશ બિશ્નોઈએ તેને જણાવ્યું હતું કે તું મહારાષ્ટ્રમાં મુંબઈ પાસે મનોર ખાતે આવેલી આરાલેક્સ હોટલ પર એક આઈશર ટેેમ્પો છે અને ચાવી પણ તેમા લગાવેલી છે તે લઈને તું જુનાગઢ ખાતે પહોંચ. આ બંનેની સુચના મુજબ તે આયશર ટેમ્પો લઈને જુનાગઢ જવા માટે નીકળ્યો હતો.

‘જય માતાજી’ બોલે તેને ટેેમ્પો આપી દેવાનો હતો

ટેમ્પો ડ્રાઈવર વિજેશકુમારનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ જથ્થો જુનાગઢમાં કોને આપવાનો હતો તેની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મનોર હોટલ પાસેથી ટેમ્પો લઈને મારે જુનાગઢ જવાનું હતું અને જુનાગઢમાં રિસિવર પાર્ટી આવીને મને કોડવર્ડમાં ‘જય માતાજી’ બોલે એટલે મારે તેને ટેમ્પો આપી દેવાનો હતો અને તે ટેમ્પો ખાલી કરી મને પાછો આપી દેવાનો હતો. જાેકે માલ મંગાવનાર અંગે કોઈ સગડ નહી મળતા પોલીસે માલ મોકલનાર બિશ્નોઈ બંધુઓની શોધખોળ હાથ ધરી છે.