વડોદરા

સમગ્ર દેશમાં આગામી દિવસોમાં કોવિદ-૧૯ની રસી આપવાનું શરુ કરાનાર છે. આને માટે વિવિધ તબક્કાઓ અને અગ્રિમતાના આધારે સરકાર દ્વારા રસીઓ આપવાનું મુક્કરર કર્યું છે. જેને લઈને જિલ્લામાં આ માટેની યાદી તૈયાર કરવા માટેનું મેઘા અભિયાન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એના ભાગરૂપે વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં હાલમાં જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવટ તેમજ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોના સંકલનથી ઉંમર અને કો મોર્બિડીટીના ઠરાવેલા માપદંડો અનુસાર કોવિડ રસીકરણની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોજણી - સર્વે કરવામાં આવી રહી છે. આરોગ્ય, શિક્ષણ, મહેસૂલ અને અન્ય સહયોગી વિભાગોના કર્મચારીઓની બનેલી ૧૩૧૦ ટીમો દ્વારા મતદાન મથકોના વિસ્તારને આવરી લઈને રસીકરણને પાત્ર લોકોની નોંધણી નામ,સરનામું,મોબાઈલ નંબર,ઓળખના પુરાવા જેવી વિગતો સાથે કરવામાં આવી રહી છે.

તા.૧૦ મી ડિસેમ્બરથી આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે તેવી જાણકારી આપતા ડો.ઉદયે જણાવ્યું કે તા.૧૨ મી સુધીમાં સર્વે ટીમો દ્વારા ૫૦ વર્ષથી વધુ ઉંમરના હોય એવા કુલ ૨,૦૫,૬૧૯ લોકોની નોંધણી કરવામાં આવી છે. જેમાં ૯૮૯૫૯ પુરુષો અને ૧,૦૬,૬૬૦ મહિલાઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે, ૫૦ વર્ષથી ઓછી ઉંમર પરંતુ કેન્સર, હૃદયરોગ જેવા સહરોગોથી પીડિત હોય તેવા ૧૫૫૮ પુરુષો અને ૧૨૭૧ મહિલાઓ મળીને કુલ ૨૮૨૯ લોકોની નોંધણી કરવામાં આવી છે. આમ, હાલની મોજણી હેઠળ બંને માપદંડો હેઠળ કુલ ૨,૦૮,૪૪૮ લોકોની રસીકરણ માટે નોંધણી કરવામાં આવી છે.વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ રસીકરણ અંગેની સુસજ્જતા માટેની પૂર્વ તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે.તેના ભાગ રૂપે આરોગ્યની સાથે શિક્ષણ,મહેસૂલ અને અન્ય સહયોગી વિભાગોના કર્ચરીઓની ટીમોએ શની-રવિની રજાઓમાં જિલ્લાના ગ્રામ વિસ્તારમાં રસીકરણ માટે સર્વેની સઘન કામગીરી ચાલુ રાખી હતી.

૩૦ જેટલા આરોગ્ય અધિકારીઓને રાજ્ય ટીમ દ્વારા તાલીમ અપાઈ

રાજ્ય કક્ષાની તાલીમ ટીમ દ્વારા વડોદરા જિલ્લાના આરોગ્ય તંત્રના ૩૦ જેટલા અધિકારીઓને બે દિવસ દરમિયાન રસી આપવાની ટેકનિકલ અને મેડિકલ તાલીમ આપવામાં આવી હતી.આ લોકો માસ્ટર ટ્રેનર તરીકે ફિલ્ડમાં જેઓ રસી આપવાનું કામ કરશે તેવા આરોગ્ય કર્મચારીઓને રસી કેવી રીતે આપવી, કંઈ તકેદારીઓ રાખવી,રસીને કેવી રીતે સાચવવી જેવી બાબતોની સઘન તાલીમ આપશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવટે જણાવ્યું માસ્ટર ટ્રેનર તરીકે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,આરોગ્ય અમલદારો,પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી, વેક્સિન અને કોલ્ડ ચેન મેનેજર,રોગચાળા નિયંત્રણ આરોગ્ય અધિકારી અને કેટલાક તાલુકા આરોગ્ય અધિકારીઓને તાલીમ બદ્ધ કરવામાં આવ્યા હતા.