વડોદરા

પંચવટી ખાતે કેનાલમાં આજે સવારે માતા-પુત્રી કપડા ધોવા માટે ગયા હતા. આ સમયે પુત્રીનો પગ અચાનક જ લપસી ગયો હતો. જેથી તે કેનાલમાં તણાવા લાગી હતી. જેથી તેના બચાવવા જતા માતા પણ પાણીના પ્રવાહમાં તણાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને માતા-પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. જોકે હજી સુધી માતા-પુત્રીનો કોઇ પત્તો લાગ્યો નથી.

શહેરના ગોરવા પંચવટી પાસે અંકોડિયા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં આજે સવારે ૨૫ વર્ષીય શિલ્પાબેન અને તેમની ૫ વર્ષની પુત્રી ઉર્વશી કપડા ધોવા માટે આવ્યા હતા. માતા કપડા ધોઇ રહી હતી, તે સમયે તેમની પુત્રીની પગ અચાનક જ લપસી ગયો હતો. જેથી ઉર્વશી કેનાલના પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી. જેથી પુત્રીને બચાવવા માટે માતા પણ પાણીમાં કૂદી ગઇ હતી. જોકે માતા પણ પાણીમાં તણાવા લાગી હતી. જેથી તેઓએ બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આસપાસમાંથી પસાર થતાં રાહદારીઓ તુરંત જ દોડી ગયા હતા. જોકે ત્યાં સુધીમાં તો માતા-પુત્રી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

રાહદારીઓએ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને માતા-પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. જોકે હજી સુધી બંનેની કોઇ ભાળ મળી નથી. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને આ મામલે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેનાલમાં લાપતા થયેલા માતા-પુત્રી મૂળ દાહોદના હોવાનું જાણવા મળ્યું છે અને મહિલાનો પતિ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં તેઓના પરિવારજનો પણ સ્થળ પર પહોંચી ગયા છે.