ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા. હવે રાજ્યના નવા મુખ્યમંત્રીની નિમણૂક માટે ભાજપના મોવડીમંડળ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે મોડી રાત્રિના અમદાવાદ આવી પહોંચશે. આવતીકાલે ભાજપના ધારાસભ્યોની બેઠક મળવાની છે. આ બેઠકમાં રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા કરવામાં આવશે.

ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને જીતવા માટે ભાજપ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી શકે છે. આ રણનીતિ મુજબ રાજયમાં મુખ્યમંત્રીની સાથોસાથ બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. આ રણનીતિ અનુસાર ભાજપ કોઈ પાટીદારને મુખ્યમંત્રી બનાવી શકે છે. જ્યારે તેમની સાથે બે નાયબ મુખ્યમંત્રીમાંથી એક ઓબીસી સમાજમાંથી અને બીજા આદિવાસી સમાજમાંથી બની શકે છે.