પાટણ : પાટણ ખાતે નિર્માણાધિન વીર મેઘમાયા સ્મારક સંકુલની વીર મેઘમાયા વિશ્વ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન અને લોકસભાના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં ચેરમેને સ્થળ નિરિક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી હતી. આજથી નવસો વર્ષ અગાઉ જનહિત માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર મેઘમાયાની સ્મૃતિમાં કુલ રૂ.૧૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રિસર્ચ સેન્ટર અને કમ્યુનિટી હોલ સહિતના સ્મારક સંકુલના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૭.૪૫ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. વીરમેઘમાયા વિશ્વ મેમોરીયલ ટ્રસ્ટના ચેરમેન અને લોકસભાના સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ રૂબરૂ નિરિક્ષણ કરી કામગીરીની સમીક્ષા ઉપરાંત જરૂરી સૂચનો કર્યા હતા.સાંસદની આ મુલાકાત દરમ્યાન જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ, મામલતદાર સહિતના અધિકારીઓ તથા મેમોરિયલ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાટણ વિકાસ પરિષદના પ્રમુખ સહિત સભ્યો સાથે પાટણના રેલવે સહિતના વિકાસ કામો બાબતે વિચાર વિમર્શ કર્યો હતો.