ભોપાલ,

તમામ ચર્ચાઓ બાદ આખરે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કેબિનેટનો વિસ્તાર થયો છે. કેબિનેટને લઈને ઘણા લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. નોંધનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના સમર્થક કૉંગ્રેસના ધારાસભ્યો બીજેપીમાં જોડાયા બાદ ફરી એકવાર શિવરાજ સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ કેબિનેટનો પૂર્ણ વિસ્તાર નહોતી થઈ શકતો.

આજે કુલ 28 મંત્રીઓએ શપથ લીધી જેમાં 20 કેબિનેટ મંત્રી, 8 રાજ્ય મંત્રી સામેલ છે. તેમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ, યશોધરા રાજે સિંધિયા સહિત અનેક મોટા નેતા સામેલ રહ્યા હતા. 

શપથગ્રહણ સમારોહ બાદ શિવરાજ સિંહ ચૌહાણે પણ નવા મંત્રીઓનને શુભેચ્છા પાઠવી. તેઓએ કહ્યું કે, આજે મંત્રી પદના શપથ લેનારા મારા તમામ સાથીઓને હાર્દિક શુભેચ્છા. આપણે સૌ મધ્ય પ્રદેશની પ્રગતિ, વિકાસ તથા જન કલ્યાણના લક્ષ્યોની પ્રાપ્તિ માટે સાથે મળી કાર્ય કરીશું. મને વિશ્વાસ છે કે રાજ્યના નવનિર્માણમાં આપ સૌનો ભરપૂર સહયોગ અને યોગદાન મળશે.

ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે.

વિશ્વાસ સારંગ, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, પ્રધ્યુમન સિંહ તોમાર, ઓમ પ્રકાશ સકલેચા, ઉષા ઠાકુર,પ્રેમ સિંહ પટેલ, હરદીપ સિંહ ડંગ, અરવિંદ સિંહ ભદૌરિયા, ડો. મોહન યાદવ અને રાજ્યવર્ધન સિંહે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. ત્યાર પછી ભારત સિંહ કુશવાહ, ઈન્દર સિંહ પરમાન, રામખિલાવન પટેલ, રામકિશોર કાંવરે, બૃજેન્દ્ર સિંહ યાદવ અને ગિર્રાજ દંડોદિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રીની યાદી સોંપી હતી.જૂના ચહેરાઓમાં પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, સંજય પાઠક, જાલમ સિંહ પટેલ અને સુરેન્દ્ર પટવા અંગે સહમતિ નથી બની.