રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી.જેમાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા, નર્મદા કલેકટર મનોજ કોઠારી, નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ જિલ્લાના વિકાસ માટે વિવિધ સૂચનો કર્યા હતા સાથે સાથે નર્મદા જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી.  

ભાજપ સાંસદે જણાવ્યું હતું કે નાંદોદ તાલુકાનું જુનારાજ સ્થળ એક ઐતિહાસિક સ્થળ છે અને આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે.જુનારાજની બાજુમાં કમોદીયા થઈને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દેવસાથરા પર્વતની હારમાળા નિહાળવા માટે આવે છે. અને આવુ જ વિસલખાડી પણ પ્રવાસન સ્થળ છે, ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્થળની મુલાકાત લે છે, તેથી આ સ્થળનો પણ વિકાસ કરવો જોઈએ.ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ ગુજરાત સરકાર દ્વારા રાજપીપળા નગરપાલિકાને સરકાર તરફથી અપાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટનો સદ ઉપયોગ કરવાની સલાહ આપી હતી.સાંસદે વધુમાં જણાવ્યું હતું કે રાજપીપળા શહેર નર્મદા જિલ્લાનું એક મીની કાશ્મીર તરીકે ઓળખાય છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનારા લોકો આ માર્ગેથી પસાર થાય છે, રાજપીપળા શહેર થકી એક સ્વચ્છતા અને સુંદરતાનો સંદેશો મળે તે માટે વિકાસના કામો કરવા જોઈએ.રાજપીપળાના વિકાસ માટે સરકારી ગ્રાન્ટનો સદ ઉપયોગ કરવાની ભાજપ સાંસદની સલાહ ઘણું બધું કહી જાય છે.શુ અત્યાર સુધી રાજપીપળા પાલિકામાં આવતી ગ્રાન્ટનો સદુપયોગ નહિ થતો હોય, શુ વિકાસના કામો ફક્ત કાગળ પર થતા હશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

બેઠકમાં વિવિધ યોજના બાબતે ચર્ચા

• પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના

• મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મનરેગા યોજના

• મિશન મંગલમ યોજના

• ડ્ઢઇડ્ઢછ તમામ યોજનાઓ તથા બિન યોજનાકીય ખર્ચ અને બચત

• ડી.આર.ડી.એ.એડમિનિસ્ટ્રેશન હેઠળ મંજુર થયેલો સ્ટાફ

• ટ્રાયબલ એરીયા સબપ્લાન

• પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત ફેજ-૧ અને ફેજ-૨ હેઠળ વિતરણ કરવામાં આવેલ ગેસ કનેક્શન

• મધ્યાન ભોજન યોજના અંતર્ગત શાળામાં અપાતી સેવા.

• જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા, કસ્તુરબા પોષણ સહાય, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આયુષ્યમાન જેવી આરોગ્ય લક્ષી યોજના.

• રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના.

• પશુપાલન યોજના વિશે ચર્ચા