વડોદરા : શહેર-જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસનો કહેર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. આ રોગની મહામારી સંખ્યાબંધ દર્દીઓ સામે આવી રહ્યા છે અને તેની સારવાર માટે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે. આ મહામારી રોગની સારવારના ઈન્જેકશનોની બજારમાં અછત વર્તાતાં દર્દીઓના સગાઓ આ ઈન્જેકશનો લેવા માટે ભાગદોડ કરી રહ્યા છે. બીજી તરફ દર્દીઓને સારવારના ઈન્જેકશનો મળી રહે તે માટેની વ્યવસ્થા કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે દિવસ દરમિયાન વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલ તેમજ ગોત્રી હોસ્પિટલમાં નવા કુલ ૨૩ દર્દીઓ દાખલ થયા હતા. આ સાથે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની કુલ સંખ્યા ૨૯૧ થઈ હતી. જાે કે, દર્દીઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થતાં સ્થાનિક આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કરતો હોવાનું ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં, દર્દીઓ દાખલ કરવા માટે નવા વોર્ડ શરૂ કરવાની ફરજ પડી રહી છે.

હાલ વડોદરા શહેરની બે સરકારી હોસ્પિટલોમાં કુલ ૨૯૧ દર્દીઓ દાખલ છે જે પૈકી ૪૪ દર્દીઓના મેજર અને માઈનોર ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. જેમાં ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના મગજ સુધી પહોંચેલા સાયનસને ૧૦ થી ૧ર સે.મી. અંદરથી સાફ કરવામાં આવ્યું હતું. આ સાથે ર૩ જેટલા દર્દીઓના બાયોપ્સી સેમ્પલો ટેસ્ટ માટે લેબ.માં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું હતું અને બે દર્દીઓની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોવાથી મ્યુકોરમાઈકોસિસની સારવારના ઈન્જેકશનોની માગમાં પણ વધારો જાેવા મળી રહ્યો હતો. જાે કે, સયાજી હોસ્પિટલમાં સરકાર દ્વારા ઈન્જેકશનોનો સપ્લાય કરવામાં ન આવતાં બે દિવસ ઈન્જેકશનો વગર ચલાવવું પડયું હતું. જાે કે, આજે મોડી સાંજે ૪૦૦ જેટલા ઈન્જેકશનનો સ્ટોક આવ્યો હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. કોરોનાની સારવાર લઈને સાજા થયેલા દર્દીઓમાં નવા નવા પ્રકારના ફંગસના ઈન્ફેકશન દર્દીઓમાં જાેવા મળી રહ્યા છે, જે સીધા દર્દીઓના શરીરના મુખ્ય અવયગોને અસરકર્તા હોવાનું તજજ્ઞ તબીબો જણાવી રહ્યા છે.