ગોંડલ, પંજાબને પણ હંફાવે તેટલો માદક દ્રવ્યનો જથ્થો ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ઝડપાઈ રહ્યો છે ત્યારે વ્યાપક પ્રમાણમાં વિદેશી દારૂ અને ગોંડલના ગુનાખોરીના ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેટલો ગાંજાનો જથ્થો એલસીબી પોલીસે ઝડપી લઇ સપાટો બોલાવી દીધો હતો. જેમાં ગોંડલમાં બે સિમેન્ટ પ્રોડક્ટ્‌સ બનાવતા કારખાનામાંથી દારૂ અને ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે. રૂરલ એલસીબીનો દરોડો પાડી ઘોઘાવદર ચોક નજીક આવેલા બંસીધર કારખાનાની ઓફિસમાંથી રૂ.૨,૫૦,૦૦૦ની કિંમતનો ૨૫ કિલો ગાંજાે, તેની સામે આવેલા લાભ કારખાનામાંથી દારૂનો જથ્થો, બોલેરો પીકઅપ વાન સહિત રૂ.૧૧.૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેર પંથકમાં છાશવારે સ્થાનિક અને જિલ્લા પોલીસ દ્વારા દરોડા પાડી નશીલા પદાર્થો અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવતા હોય છે ત્યારે એલ.સી.બી પોલીસ દ્વારા બાતમીના આધારે શહેરના ઘોઘાવદર રોડ પર જીતેન્દ્ર ગિરધરભાઈ ડોબરીયા રહે ઘોઘાવદર વાળા ના કબજા ભોગવટા વાળા કારખાના શ્રી લાભ સિમેન્ટ પ્રોડક્ટમાં દરોડો પાડી તલાશી લેવામાં આવતા બોલેરો પીકઅપ વાનની અંદરથી વિદેશી દારૂની ૨૩૮૨ બોટલ કિંમત રૂ. ૮૬૫૮૦૦ તેમજ બિયર ટીન ૧૬૮ કિં. રૂ. ૧૬૮૦૦ મળી આવતા બોલેરો પીકઅપ સહિત કુલ રૂપિયા ૧૧,૮૨,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જીતેન્દ્ર ડોબરીયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ તેમજ મુસ્તુફા સૈયદને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જ્યારે બીજાે દરોડો જીતેન્દ્ર ડોબરીયા દ્વારા ભાડે રાખવામાં આવેલ શ્રી લાભ સિમેન્ટ પ્રોડક્ટ કારખાનાની સામેના બંસીધર સિમેન્ટ પ્રોડક્ટમાં પાડવામાં આવતા ત્યાંની ઓફિસમાંથી ખુશીરામ બદ્રીનારાયણ મીણા પાસેથી ૨૫ કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂ ૨,૫૦,૦૦૦ નો મળી આવતા ખુશીરામની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગોંડલના ગુનાખોરીના ઇતિહાસમાં ૨૫ કિલો ગાંજાનો જથ્થો પ્રથમ વખત મળી આવ્યાની ઘટના બની છે.