અમદાવાદ, નરોડા જીઆઈડીસી ગેટ નંબર ૪ પાસે રેલ્વે ક્રોસીંગ નજીક આવેલ આંબેડકરનગરના નાકા પાસે એક્ટિવાની ડેકી, કારની ડેકી અને પાણીના જગમાં વિદેશી દારૂની હેરફેર કરનાર ત્રણ શખ્સોને પીસીબીની ટીમે ઝડપી લીધા છે. બીજી બાજુ તેમના પાસેથી દારૂની બોટલો સહીત કુલ રૂ.૯.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શહેરમાં ગુનાહીત પ્રવૃતિને રોકવા માટે પીસીબીની ટીમ સઘન પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, નરોડા જીઆઈડીસી ગેટ નંબર ૪ પાસે રેલ્વે ક્રોસીગ નજીક આંબેડકરનગરના નાકા પાસે એક એક્ટિવાની ડેકી પાણીના જગ અને એક કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાટી રાખ્યો છે અને સગેવગે કરવાના ફીરાકમાં છે જેના પગલે પીસીબીએ તે જગ્યાએ દરોડો પાડ્યો ત્યારે ત્રણ શખ્સો મળી આવ્યા હતા. ત્યારબાદ એક્ટિવાની ડેકી, પાણીનો જગ અને કારની ડેકીમાં તપાસ કરતા તેમાથી ૮૯ વિદેશી દારૂની બોટલો સહીત કુલ રૂ.૯.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી બાજુ પકડાયેલા શખ્સોના નામ પુછતા દિલીપ ઉર્ફે લાલો મકવાણા, કમલેશ ઉર્ફે મુકેશ વાધેલા અને નવનીત ઉર્ફે નીકી બગડા હોવાનું સામે આવ્યુ હતુ. જાે કે આ દારૂના જથ્થામાં સામેલ રમેશ મારવાડી પણ હોવાનું સામે આવતા પીસીબીએ રાજસ્થાન રહેતા રમેશ મારવાડીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. બીજી બાજુ નરોડા વિસ્તારમાંથી દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક પોલીસ પર સવાલો ઉભા થાય તેવુ લાગી રહ્યુ છે.