વડોદરા,તા.૫ 

એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં ૬૫૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. જેમાંથી ૧૫૦૦ વિદ્યાર્થીઓને બાકી ડોક્યુમેન્ટ જમા કરાવવા ૫ થી ૯ ઓક્ટોબરનો સમય અપાયો હતો. ૧૨ ઓક્ટોબરથી એફવાયના ક્લાસ શરૂ થવાના હોવાથી આજે બાકીના ડોક્યુમેન્ટ્‌સ જમા કરાવવાના પ્રથમ દિવસે કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ ખાતે વિદ્યાર્થીઓના ટોળાં ઉમટી પડ્યા હતા.

નવા શૈક્ષણિક સત્ર માટે એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા કુલ ૬૫૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જે પૈકી ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને હજુપણ ડોક્યુમેન્ટ્‌સ જમા કરાવવાના બાકી હોવાથી ૯ ઓક્ટોબર સુધી કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે ખૂટતાં ડોક્યુમેન્ટ જમા કરાવવાની તાકીદ કરાઈ હતી. એપ્લિકેશન ફોર્મની કોપી, ધો.૧૨ની માર્કશીટની કોપી, એલસી, એટેમ્પ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર જમા કરાવવાની સૂચના મળતા આજે સવારથી જ કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ ખાતે વિદ્યાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા. યુનિવર્સીટી દ્વારા આ વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન થાય તે માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. તેમ છતાં મહદંશે તેનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.