અમદાવાદ, મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અહીં એક જ દિવસમાં ૮૦૦૦થી પણ વધારે કેસ સામે આવી રહ્યાં છે. કોરોના વાયરસના વધતા સંક્રમણની અસર ટ્રેન વ્યવહાર પર પડી રહી છે. ભારતીય રેલવેએ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન એક મહિના માટે બંધ કરવાની ફરજ પડી છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ ટ્રેન(૮૨૯૦૨/૮૨૯૦૧)ને ૨ એપ્રિલથી આગામી એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.

રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે લોકોએ તેજસ ટ્રેન માટે ટિકિટ બુક કરાવી છે તેને કેન્સલ કરી દેવાઈ છે. આ બાબતની સૂચના મુસાફરોને આપી દેવામાં આવી છે. તેમના પૈસા પણ પાછા આપવામાં આવશે. ગત વર્ષ માર્ચમાં લોકડાઉન લાગ્યા બાદ ભારતીય રેલવેએ તમામ ટ્રેનોને રદ્દ કરી દીધી હતી. તેજસ ટ્રેન ઓક્ટોબર સુધી બંધ રહી હતી. ઓક્ટોબરમાં મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેનને ફરીથી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઓછા પેસેન્જર્સના કારણે તેને નવેમ્બરમાં બંધ કરી દેવાઈ . ત્યારબાદ આ ટ્રેનને આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ ફરી એકવાર શરૂ કરાઈ હતી. હવે ફરી એકવાર મુંબઈમાં કોરોના વાયરસે ઉથલો માર્યો છે. માત્ર મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૪૬ લોકો સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખતા તેજસ એક્સપ્રેસને ફરી એકવાર બંધ કરવામાં આવી છે.