મુંબઈ-

બોમ્બ ધમકીના કોલથી મુંબઈમાં ત્રણ રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થળોએ હાલ પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈના ત્રણ મોટા રેલવે સ્ટેશનો અને બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા કડક કરવામાં આવી છે. જોકે, સર્ચ દરમિયાન હજુ સુધી કંઇ શંકાસ્પદ મળ્યું નથી. મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમને શુક્રવારે રાત્રે એક ફોન આવ્યો હતો, જેમાં કોલરે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ,ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનના જુહુમાં બંગલામાં બોમ્બ મૂકવામાં આવ્યા છે.

કોલ આવ્યા બાદ સરકારી રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ સાથે આ સ્થળોએ પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જો કે,આ સ્થળોએ અત્યાર સુધીમાં કંઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.જો કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.હાલ, એક ફોન કોલથી મુંબઈ પોલીસ માટે પડકારજનક સ્થિતિ સર્જાઈ છે. ફોન કરનારે જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, ભાયખલા અને અમિતાભ બચ્ચનના બંગલામાં ચાર સ્થળે બોમ્બ મૂકવામાં આવ્યા હતા. તે પછી, માહિતીની ગંભીરતા જોઈને પોલીસે તરત જ જે નંબર પરથી કોલ કર્યો હતો તેનો સંપર્ક કર્યો. પરંતુ જે વ્યક્તિએ બીજી વખત ફોન કર્યો હતો ત્યારે એ વ્યક્તિએ ફોનને ડિસ્કનેક્ટ કર્યો હતો.