દુબઇ 

IPLની 13મી સીઝનની 20મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 57 રને હરાવ્યું છે. રોયલ્સ સામે મુંબઈની આ રનના માર્જિનથી સૌથી મોટી જીત છે. આ પહેલા તેમણે 11 એપ્રિલ 2010ના રોજ જયપુરમાં તેમને 37 રને હરાવ્યું હતું. આ જીત સાથે મુંબઈ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે.

194 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 18.1 ઓવર 136 રનમાં ઓલઆઉટ થયું. આ સાથે મુંબઈએ લીગમાં જીતની હેટ્રિક લગાવી છે. તેમના માટે જસપ્રીત બુમરાહે શાનદાર દેખાવ કરતા 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ લીધી હતી. રાજસ્થાનના ઓપનર જોસ બટલરે લીગમાં 10મી ફિફટી ફટકારતા 44 બોલમાં 4 ફોર અને 5 સિક્સની મદદથી 70 રન કર્યા. જેમ્સ પેટિન્સનની બોલિંગમાં પોલાર્ડે લોન્ગ-ઓન પર તેનો શાનદાર કેચ કર્યો. પોલાર્ડે જમ્પ કરીને કેચ કરવાની ટ્રાય કરી પણ બોલ છૂટી ગયો. તે બાદ તેણે ફરી બોલને પકડી લીધો. રાજસ્થાન માટે બટલરે ફિફટી મારી પરંતુ તે ટીમને મેચ જીતાડી શક્યો નહીં. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને સંજુ સેમસન સહિત ટીમના 7 બેટ્સમેન ડબલ ડિજિટનો આંકડો પાર ન કરી શક્યા. મુંબઈ માટે બુમરાહે 4 વિકેટ, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટિન્સને 2-2 વિકેટ લીધી. 

મહિપાલ લોમરોર 11 રને રાહુલ ચહરની બોલિંગમાં આઉટ થયો હતો. લોમરોર લેગ-સાઈડ પર શોટ રમવા ગયો પણ માત્ર એજ મેળવી શક્યો. બોલ શોર્ટ-કવર પર ઉભેલાની પાછળ ગયો હતો. રોયે ઊંધો ફરી, દોડી, ડાઇવ લગાવીને બંને હાથે કેચ પકડ્યો હતો.