દુબઇ -

IPLની 13મી સીઝનની પાંચમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 49 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ 196 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં કોલકાતા 9 વિકેટે 146 રન જ કરી શક્યું. 80 રન બનાવનાર મુંબઈનો કપ્તાન રોહિત મેચનો હીરો રહ્યો. રોહિતે IPLમાં 37મી ફિફટી મારી અને 200 સિક્સ મારનારો ચોથો ખેલાડી બન્યો. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટ્ટીન્સને 2-2 વિકેટ લીધી.. 

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી કોલકાતાની ટીમને મુંબઈના ફાસ્ટ બોલર્સે શરૂઆતથી જ વધુ તક આપી નહોતી. તેઓ પાવરપ્લેમાં માત્ર 33 રન જ કરી શક્યા. આ દરમિયાન તેમણે 2 વિકેટ ગુમાવી. શુભમન ગિલ 7 રને બોલ્ટની બોલિંગમાં મિડ-વિકેટ પર પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો. ​​​​​​બોલ્ટે ઇનિંગ્સની પ્રથમ ઓવર નાખી હતી. એ પછી સુનીલ નારાયણ 9 રને જેમ્સ પેટ્ટીન્સનની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો. 

ત્યાર બાદ દિનેશ કાર્તિક અને નીતીશ રાણાએ ઇનિંગ્સ સંભાળી. કાર્તિક 30 રને રાહુલ ચહરની બોલિંગમાં LBW થયો, જ્યારે રાણા 24 રને પોલાર્ડની બોલિંગમાં હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો. આન્દ્રે રસેલ (11) અને ઓઇન મોર્ગન (16) પણ કમાલ દાખવી શક્યા નહોતા. છેલ્લે, પેટ કમિન્સે બુમરાહની એક જ ઓવરમાં 4 સિક્સ મારી, પરંતુ ત્યાં સુધીમાં મેચનું રિઝલ્ટ નક્કી થઇ ગયું હતું. કમિન્સ 12 બોલમાં 33 રન કરીને પેટ્ટીન્સનની બોલિંગમાં આઉટ થયો હતો. 

કોલકાતા 2013ની સીઝન પછી પહેલીવાર સીઝનની પહેલી મેચ હાર્યું:

2013: દિલ્હી ડેરડેવિલ્સને 6 વિકેટે હરાવ્યું 

2014: મુંબઈ ઇન્ડિયન્સને 41 રને હરાવ્યું 

2015: મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું 

2016: દિલ્હી ડેરડેવિલ્સને 9 વિકેટે હરાવ્યું 

2017: ગુજરાત લાયન્સને 10 વિકેટે હરાવ્યું 

2018: રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 4 વિકેટે હરાવ્યું 

2019: સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યું 

2020: મુંબઈ ઇન્ડિયન્સે 49 રને હરાવ્યું 

મુંબઈએ કોલકાતાને 196 રનનો ટાર્ગેટ આપ્યો