વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર સ્વરૂપ.પી.એ સ્થાયી સમિતિ સમક્ષ વર્ષ ૨૦૨૦-૨૧નું રિવાઇઝડ અને વર્ષ ૨૦૨૧-૨૨નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજુ કર્યું હતું. જેમાં કોરોના મહામારીની પ્રજા પર પડેલી આર્થિક અસરને ધ્યાનમાં રાખીને કર-દર વધારા વિનાનું રૂ.૩૮૦૪.૮૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયું હતું. જયારે ગત વર્ષનું રિવાઇઝડ બજેટ રૂ.૩૫૩૧.૪૩ કરોડનું રજુ કરાયું હતું. જયારે મૂળ બજેટ રૂ.૩૭૬૯ કરોડનું હતું.એ જાેતા આ વખતના બજેટમાં રૂપિયા ૧૧૨ કરોડ વધુ ફાળાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વર્ષમાં રૂપિયા બસો કરોડ બોન્ડ થકી ઉભા કરવાનું પણ આયોજન છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે જમીન વેચાણની આવકનો પણ દોઢો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે લક્ષ્યાંક રૂ.૧૦૧.૫૦ કરોડથી વધારીને રૂ.૧૫૧.૫૦ કરોડ કરવામાં આવ્યો છે. આમ રૂપિયા ૩૫૦ કરોડ જેટલું ભંડોળ અન્ય સ્તોત્રોથી મેળવવા માટેનું આયોજન કરાયું છે. પાલિકામાં સમાવિષ્ઠ નવા ગામોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાને માટે અને પાલિકાની વહીવટી કચેરીઓની ઘર આંગણે સેવા મળી રહે એને પણ ધ્યાનમાં રાખીને આયોજન કરાયૂ છે. આ સાત ગામોમાં ઉંચી પાણીની ટાકી, સંપ, પાણીનું નેટવર્ક તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી કરવામાં આવશે. જેની પાછળ અંદાજે રૂપિયા ૭૦ કરોડના ખર્ચનો અંદાજ છે. અટલાદરા ખાતે ૧૯૦૦ ઇડબલ્યુએસ આવાસો તથા ૮૧ દુકાનો સંપૂર્ણ સુવિધાઓ સાથે બનાવવાના કામમાં રૂ.૧૬૬ કરોડના ખર્ચનો અંદાજ છે. નવીન ચાર સીએચસી તથા ૧૨ પીએચસી બનાવવા પાછળ રૂપિયા ૩૦ કરોડ ખર્ચાશે. આવા વિવિધ વિકાસના કામો પાછળ કુલ રૂપિયા ૧૩૯૭.૯૬ કરોડના ખર્ચ અંદાજવામાં આવ્યા છે.વડોદરાના વિકાસના કામોના લક્ષ્યાંકો પાર પાડવા વિકાસના કામો પીપીપી થકી કરવા તથા વધારાની નાણાકીય જરૂરિયાત આંતરિક ભંડોળ કે બાહ્ય સંસ્થાઓ અને બેંકો પાસેથી લોન મેળવીને પુરી પાડવાનું આયોજન કરાયું છે. જેને લઈને શહેરીજનો પર કોઈપણ પ્રકારના કરદર વધારવામાં આવ્યા નથી.બલ્કે યથાવત રાખવામાં આવ્યા છે.

મેયર કેયુર રોકડિયાએ બજેટને આવકાર્યું

વડોદરા મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયર કેયુર રોકડીયાએ પાલિકાના કમિશ્નર સ્વરૂપ.પી.એ સ્થાયીમા રજુ કરેલા કરદર વિનાના બજેટને આવકાર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષથી સમગ્ર વિશ્વ,દેશ અને શહેરની પ્રજા કોરોનાના કહેરને લઈને પીડિત છે.ત્યારે એને ધ્યાનમાં રાખીને ચૂંટણી પછી સામાન્ય રીતે કરદર વધારાનું બજેટ આવે છે.એના સ્થાને કરદર વિનાનું બજેટ અપાયું છે.