રાજકોટ કરોડોની છેતરપિંડીમાં મહેશભાઇ સખિયાની ફરિયાદ પરથી પોલીસે મુનીરા, તેના પ્રેમી અને ધર્મેશ બારભાયા સામે ગુનો નોંધ્યો હતો, પોલીસે કમિશનથી કામ કર્યાનો આક્ષેપ થયો છે ત્યારે એક આરોપી ધર્મેશ બારભાયાએ પણ પોલીસે રૂ.૨ કરોડ પડાવવા માટે ટોર્ચર કર્યાનો આક્ષેપ કરતા મામલો વધુ ગરમાયો હતો.પ્રહલાદ પ્લોટમાં રહેતા અને છેતરપિંડી કેસના આરોપી ધર્મેશ બારભાયાએ કહ્યું કે, પોલીસે મુનીરાને ૧૧ દિવસ ગોંધી રાખી હતી અને તેના પર એવું દબાણ કર્યું હતું કે, મુનીરાએ તેને મળેલી રકમમાંથી રૂ.૪૮ લાખ ધર્મેશને આપ્યા છે તેવી કબૂલાત આપવાની છે, પોલીસના ત્રાસથી મુનીરાએ તેવું નિવેદન આપતા પોલીસે મારા પર સકંજાે દબાવ્યો હતો અને વારંવાર પોલીસ ચોકીએ બોલાવીને પૈસા આપવા દબાણ કરાતું હતું.પીએસઆઇ સાખરા ચોકીએ બોલાવીને ગાળો ભાંડતા અને તેને, તેના ભાઇ અને ૧૭ વર્ષના બાળકને પણ ઢોરમાર માર્યો હતો, પોલીસ નિવેદન નોંધતી પરંતુ જ્યારે જે વાત કરતા તે વાત નોંધવાને બદલે પોલીસ ઇચ્છા મુજબ નિવેદન લખતી અને સહી કરાવી લેતી હતી. પીઆઇ ગઢવીએ પણ ગાળો ભાંડીને મારકૂટ કરી હતી, પોલીસ રૂ.૨ કરોડ પડાવવા માગતી હતી, તે પૈકી કેટલીક રકમના ચેક પણ લખાવી લીધા હતા, પૈસા આપવાનો ઇનકાર કરતા પોતાને તથા તેના ઘરમાં ઘૂસી મહિલાઓને માર માર્યાનો પણ આરોપ મુક્યો હતો.