વડોદરા : શહેરના રાજકારણમાં ગરમાટો લાવનાર સપના ઉર્ફે સપ્પુની બીગબોસ ૧૪મા વાઈલ્ડકાર્ડ એન્ટ્રી અંગે ‘લોકસત્તા-જનસત્તા’ સાથે સપ્પુએ ટેલિફોનિક વાતચીત કરી માહિતી આપી હતી. જાે કે, બીગબોસની પ્રાથમિક શરતોને કારણે આ અંગે વધુ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ વડોદરામાં રહેતા ભૂતપૂર્વ પતિ અને એક ટોચના રાજકારણીને કારણે મારી આ હાલત થઈ હોવાનું ઉમેરી એમનું સત્યાનાશ જશે અને ભગવાન પણ માફ નહીં કરે એમ સપ્પુએ જણાવ્યું હતું. 

બીગબોસના પ્રોડયુસર દ્વારા કાર્યક્રમમાં પ્રવેશતાં અગાઉ કોઈપણ જાતની માહિતી બહાર નહીં પાડવાની કડક સૂચના હોવા છતાં સપ્પુની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી અંગે મીડિયામાં વાત લીક થઈ ગઈ હોવાનું ઉમેરી સપ્પુએ આ અંગે વધુ માહિતી આપવાનો ‘લોકસત્તા-જનસત્તા’ને ઈનકાર કર્યો હતો. પરંતુ રાષ્ટ્રીય મીડિયામાં આ સમાચારોને સ્થાન મળ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો.

સપ્પુએ વડોદરાના સંભારણાં અત્યંત વિચલીત કરી મૂકે એવા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે મારા પતિ રાજેશ ગોયલે મને મારા પુત્ર સાથે પહેરેલા કપડે વડોદરા છોડવા મજબૂર કરી હતી અને એ સમયે મારી પાસે પાંચ હજાર રૂપિયા પણ નહોતા. પુત્ર ટાઈગર સાથે મુંબઈમાં ગુજારો મુશ્કેલ હોવાથી મારા પતિ અને એમના રાજકારણી મિત્રને વારંવાર વિનંતી છતાં મને આર્થિક સહાય નહીં આપતાં નાછૂટકે મારે ખોટા ધંધા તરફ વળવું પડયું હોવાનું જણાવી મારા પતિ અને એના રાજકારણી મિત્ર જ મારી આ હાલત માટે જવાબદાર હોવાનું જણાવી એમનું સત્યાનાશ જશે અને ભગવાન પણ માફ નહીં કરે એમ સપ્પુએ જણાવ્યું હતું.