અંબાજી-

દાંતા નજીક દીવડી ગામની સીમમાં આવેલ ચામુંડા માતા મંદિરના વિસ્તારમાં જમીન સમતળ કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન જૈન ધર્મની ૮૨૨ વર્ષ જૂની બે પૌરાણિક મૂર્તિઓ સહિત પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા. શુક્રવારે સાંજે મળી આવેલા પૌરાણિક સંપદાને લઇ મૂર્તિ જાેવા લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. દાંતા નજીક વશી ગ્રામ પંચાયતના કબ્જામાં આવેલ દીવડી ગામની સીમમાં પ્રાચીન ચામુંડા માતાનું મંદિર આવેલું છે. જેની આગળના ભાગમાં ગાડાં બાવળનું સામ્રાજ્ય છવાઇ જવા સાથે જમીન પણ ઊબડખાબડ હતી. જ્યાં શ્રદ્ધાળુઓ માતાજીના સુખરૂપ દર્શન કરી શકે અને મંદિર સુધી પહોંચી શકે તે માટે જમીન સમતળ સહિત જમીન સફાઈ કરવાની કામગીરી ચાલી રહી હતી.

દરમિયાન શુક્રવારની સાંજે જૈન સંપ્રદાયની વિવિધ સાડા ચાર ફૂટ જેટલી લાંબી મૂર્તિઓ સહિત જૂની ઈંટો, જિનાલયના તૂટેલા ઘુમ્મ્ટ સહિતના અવશેષો મળી આવ્યા હતા. જાે કે,આ મૂર્તિઓની બારીકાઇથી નિરીક્ષણ કરતા સં.૧૨૫૪ એટલે કે ૮૨૨ વર્ષ જૂની હોવા સાથે શ્વેતામ્બર જૈન ભગવાનની મૂર્તિ હોવાનું મનાઈ રહ્યું છે. અંગેની જાણ દાંતા મામલતદાર કચેરીએ થતા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા સ્થળ સ્થિતિનું રોજકામ કરી મૂર્તિઓને વશી ગ્રામ પંચાયતના સરપંચ સરદારભાઈ ડૂંગાઈસાને સુરક્ષિત રાખવા પંચાયત ઘરમાં મુકવામાં આવી છે. દીવડી ગામની સીમમાં ૮૦૦ ઉપરાંત વર્ષ જૂનો પ્રાચીન વારસો મળી આવતાં જ પ્રજામાં ભારે અચરજનું મોજું ફરી વળ્યું છે.

ત્યારે લોકવાયકા મુજબ અહીંનું ચામુંડા માતાનું મંદિર અતિ પ્રાચીન છે. જેનો જીર્ણોધ્ધાર પણ તત્કાલીન મહારાણા ભવાનીસિંહજીએ આજથી ૯૦ વર્ષ પૂર્વે કરાયો હતો. તો બીજી તરફ વૃદ્ધોની વાયકા મુજબ વશી ગામની સીમાડેથી વાંદરું ચઢતું જે સીસરાના ઘોડીયાળ જઇ ઉતારતું. ત્યારે પૌરાણિક એવું આ નગર કેટલું મોટું હશે, જે કાળક્રમે ધરતીમાં સમાઇ ગયું હશે. જેની સાક્ષી સ્વરૂપ સર્વે નંબર-૧૩૭થી માંડી ઘોડિયાળ ગામ માર્ગના ગણછેરા સહિતના ગામોમાં પણ આજે પણ પ્રાચીન અવશેષો વેર-વિખેર પાડેલા જાેવા મળી રહ્યા છે.