નડિયાદ : બ્રિટીશ સરકારના શાસનકાળમાં નડિયાદ-ભાદરણ નેરોગેજ ટ્રેનની શરૂઆત થઇ હતી. સુપરફાસ્ટ ટ્રેનના જમાનામાં વર્ષ 2017માં નડિયાદ-ભાદરણ નેરોગેજ ટ્રેનને બ્રેક વાગી ગઇ હતી. એકદમ ધીમી ગતિએ ચાલતી આ ગાડીના પૈડા થંભી ગયા હતા. છેવટે નડિયાદ રેલવે સ્ટેશને પડી રહેલાં કોચને ગત 26 જાન્યુઆરી, 2020ના રોજ રવાના કરી દેવામાં આવ્યાં હતાં. પશ્ચિમ રેલવેના અધિકારીઓએએ જણાવ્યું હતું કે, નડિયાદ-ભાદરણ નેરોગેજ ટ્રેન શરૂ થયાં બાદ એક સદી સુધી દોડતી રહી હતી. હવે જઈને બંધ કરી દેવામાં આવી છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો આશરે પાંચેક દાયકા અગાઉ ટ્રેક પર આવેલાં તમામ સ્ટેશનો મુસાફરોની દોડધામ અને શોરબકોરથી ધમધમતાં હતા.

નડિયાદથી સવારે 9:15 કલાકે ભાદરણ જવા ઉપડતી ટ્રેનનો રૂટ નડિયાદથી વાયા પીજ, વસો, ડભોઉ, સોજિત્રા, વિરોલ, પેટલાદ, ધર્મજ, બોચાસણ થઇને ભાદરણ સુધીનો હતો. બાદમાં નેરોગેજ ટ્રેન એ જ રૂટ ઉપર પરત ફરતી હતી, જ્યારે સાંજે 7 કલાકે ઉપડતી ટ્રેન એજ રૂટ પર થઈ પેટલાદ સુધી જતી હતી અને ત્યાંથી પરત આવતી હતી.

તમને જાણીને નવાઈ લાગશે પણ ટ્રેન 18 કિમી ઝડપે દોડતી હતી.

નડિયાદ-ભાદરણ વચ્ચે 58 કિલોમીટરની નેરોગેજ લાઇન ગાયકવાડ સરકારના શાસનમાં નખાઇ હતી. જે વર્ષો સુધી મિની ટ્રેન માત્ર 18 કિલોમીટરની ઝડપે ટ્રેક પર દોડતી હતી. આ ટ્રેનને નડિયાદથી ભાદરણ પહોંચવામાં 3 કલાક લાગતાં હતાં.

સૂત્રોના જણાવ્યાં મુજબ, નડિયાદથી પેટલાદ વચ્ચેના જુદાં જુદાં સ્થળે ભારે વરસાદ અને માટીના ધોવાણના કારણે તેમજ બ્રિજ નં.42 અને 43 તૂટી જતાં લાઈનનું સમારકામ કરવાનું હોવાથી ટ્રેનને ગત તા.21મી જુલાઇ, 2017ના રોજથી કાયમ માટે બંધ કરવામાં આવી હતી.