નડિયાદ  

નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જાણીતા બિલ્ડર દિલીપ શાહ(શેઠે) માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં સનસનાટી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ તેઓએ ગુતાલ ખાતેના તેમનાં ફાર્મહાઉસમાં આત્મહત્યા કરી લીધી છે. જાેકે, આત્મહત્યા શા માટે કરી છે તેનું રહસ્ય અકબંધ રહ્યું હતું. એવું કહેવાય છે કે, છેલ્લાં થોડાં વખતથી તેઓ આર્થિક ભીંસમાં ચાલી રહ્યાં હતાં અને તેનાં કારણે કદાચ આત્મહત્યા કરી લીધી છે. એક સ્યૂસાઇડ નોટ પણ સ્થળ પરથી મળી આવી છે. સ્યૂસાઇડ નોટમાં એક વ્યક્તિનું નામ દિલીપ શાહે લખ્યું છે. હાલ આ વ્યક્તિનું નામ ડિસ્ક્લોઝ કરવામાં આવ્યું નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપ રમણિકલાલ શાહ(શેઠ)એ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. દિલીપભાઈએ માથાના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું ક્રાઇમસીન પરથી પ્રાથમિક દૃષ્ટિએ દેેખાઈ રહ્યું છે. નડિયાદના ગુતાલ ખાતે આવેલાં તેમના ફાર્મહાઉસમાં દિલીપભાઈ શાહનો મૃતદેહ ખાટલાં પર પડેલો મળી આવ્યો હતો.

દિલીપભાઈની આત્મહત્યાના સમાચાર મળતાં નડિયાદના પોલીસ અધિકારીઓ તેમનાં સ્ટાફ સાથે ગુતાલના ફાર્મહાઉસ પર દોડી આવ્યાં હતાં. આ સાથે નડિયાદની જાણીતી હસ્તીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોતાની લાયસન્સ ધરાવતી રિવોલ્વર પોતાને લમણે લગાડી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે, સ્થળ પરથી એક સ્યૂસાઇડ નોટ મળી છે, જેમાં તેઓએ લખ્યું છે કે, સતત આર્થિકભીંસથી હું કંટાળી ગયો છું. આ રીતે જીવવા હું ટેવાયેલો નથી. સૂત્રોએ એવું પણ કહ્યું હતું કે, સ્યૂસાઇડ નોટમાં દિલીપભાઈએ એક વ્યક્તિનું નામ લખ્યું છે. હાલ તેમનાં પરિવારને આ સ્યૂસાઇડ નોટ દેખાડી છે. અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યાં છીએ. હાલ એ વ્યક્તિનું નામ અમે જાહેર નહીં કરીએ.

શું વડોદરાની કોઈ વ્યક્તિને કારણે સ્યૂસાઇડ કર્યું?

દિલીપ શાહે આર્થિકભીંસમાં આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે. તેમની નજીકથી એક સ્યૂસાઇડ નોટ પણ પોલીસને મળી છે. આ વિશે ડીવાયએસપી જીએસ શ્યાને કહ્યું હતું કે, હાં, સ્યૂસાઇડ નોટ મળી છે. એક વ્યક્તિનો તેમાં ઉલ્લેખ કરાયો છે. સતત ઉઘરાણી અને આર્થિકભીંસને કારણે આવું પગલું ભર્યું હોવાનું તેમાં લખ્યું છે. હાલ ઇન્વેસ્ટિગેશન ચાલતું હોવાથી એ વ્યક્તિનું નામ અમે ડિસ્ક્લોઝ કરવા માગતાં નથી. જાેકે, સૂત્રોનું કહેવું છે કે, આ વ્યક્તિ વડોદરા સાથે કનેક્શન ધરાવે છે.

નડિયાદની કઈ-કઈ વ્યક્તિ સામેલ હતી તેની પણ તપાસ થશે

પોલીસ સૂત્રોનું કહેવું છે કે, દિલીપ શાહની આર્થિકભીંસનો મામલો શું છે અને તેની પાછળ નડિયાદની કઈ કઈ વ્યક્તિ સામે હતી તેની પણ તપાસ કરવામાં આવશે. દિલીપભાઈની નજીકની કઈ વ્યક્તિ આ વિશે જાણતી હતી વગેરે ઝીણવટભરી તપાસ થશે.