નડિયાદ : ગુજરાતમાં કોરોનાના ઘટતાં જતાં સંક્રમણ વચ્ચે બે સપ્તાહમાં હેલ્થ વર્કર્સને રોગ પ્રતિકારક શક્તિ  વધારતી રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે, ત્યારે હવે આજથી ફ્રન્ટલાઈન બીજી હરોળના કર્મચારીઓ અને અધિકારીઓને રસી આપવાનો શુભારંભ નડિયાદ એન.ડી.દેસાઈ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રએ પોતે રસી લઇ કરાવ્યો હતો. રવિવારથી ખેડા જિલ્લામાં એક સાથે ગૃહ વિભાગના પોલીસ, હોમગાર્ડ, એસઆરપી જવાનો, શહેરી વિકાસ, મહેસૂલ,  પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટના મળી આજે આશરે ૨૫૦૦  જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.   

દેશભરમાં તારીખ ૧૬મી જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સ એટલે કે કોરોનાના દર્દીઓ સાથે અને દર્દીઓ વચ્ચે દિવસ-રાત કામગીરી કરનારા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવા અભિયાનની શરૂઆત થઇ હતી, જેમાં હેલ્થ વિભાગમાં કામ કરતાં અધિકારીઓ, કર્મચારીઓનો સમાવેશ થયો હતો. જ્યારે આજે જિલ્લામાં ૨૫ જેટલાં કેન્દ્રો ઉપર અંદાજે ૨૫૦૦ જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓને રસી આપવામાં આવી હતી, તેમ જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું. આજે કોરોનાની રસી મૂકાવનારાઓમાં કલેક્ટરથી લઈને પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, મહેસૂલી, પંચાયત અને પાલિકાના તમામ સ્ટાફને આવરી લેવામાં આવ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધી ૧૦,૦૦૦  ફ્રન્ટ વોરિયર્સને રસી આપવામાં આવી છે. કલેક્ટર આઈ.કે.પટેલ અને જિલ્લા પોલીસ વડાએ પણ સૌને રસીકરણમાં સહકાર આપવા જાહેર અપીલ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી પી.આર.સુથાર, તાલુકા હેલ્થ અધિકારી  વિપુલ અમીન, ડીવાયએસપીઓ, ચીફ ઓફિસર પ્રણવ પારેખ ઉપસ્થિત રહ્યાં હતાં.