ખેડા : માતર તાલુકાના વણસર ગામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડ સમય મર્યાદામાં તો બનાવ્યો નથી, પણ રાતોરાત રોડ બની ગયાંનું બોર્ડ મારી દેવામાં આવતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગામલોકોમાં એક જ ચર્ચા છે કે, આ કોન્ટ્રેક્ટર મુખ્યમંત્રીના નામની પરવા પણ નથી કરી!

વણસર ગામના ગ્રામજનોનું કહેવું છે કે, અમારાં સૌને ખેતરમાં આવવા જવાનો મુખ્ય રસ્તો છે. આ રસ્તો હાલ કાચો રસ્તો જ છે. બે દિવસ પહેલાં રાત્રીના સમયમાં કોઈ વ્યક્તિઓ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બોર્ડ રસ્તાની બાજુમાં ઊભું કરીને જતાં રહ્યાં હતાં. અમે સવારે ખેતરમાં જવા નીકળ્યાં ત્યારે ખબર પડી કે કોઈ બોર્ડ મારી ગયું છે. બોર્ડ માર્યું તેનો વાંધો ન હતો, પરંતુ તેમાં તો ૧૨૦૦ મીટરનો રોડ અને અંદાજિત રકમ ૪૮.૯૨ લાખના ખર્ચે તા.૧૨ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ કામની શરૂઆત કરવાનો ઉલ્લેખ કર્યો છે! આટલું જ નહીં, કામ તો ક્યારેય શરૂ થયું નથી, પણ સાથે સાથે રોડનું કામ તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયાંનું દર્શાવવામાં આવ્યું છે! અમને આશ્ચર્ય થયું કારણ કે, રોડના કામની શરૂઆત જ થઈ નથી તો કામ કેવી રીતે પૂર્ણ થયું એ નવાઈની વાત છે.

આ બાબતે સ્થાનિક નલિનભાઈ પટેલનું કહેવું છે કે, અમને જ્યારે ખબર પડી કે અમારાં ગામનો રોડ બન્યો નથી. તેમ છતાં પણ અમારાં ગામમાં રાત્રીના સમયમાં બોર્ડ મારી દેતાં અમને નવાઈ લાગી હતી. અમને હવે એવો સવાલ થઈ રહ્યો છે કે, ઇજારેદારને આનું પેમેન્ટ પણ આપી તો નહીં દેવાયું હોયને? આથી અમે સર્વ સમાજ સેનાના મહિપતસિંહને અમારાં ગામમાં બોલાવતાં તેમને સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં તરત જ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બાબતે મહિપતસિંહે માતર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ કરી છે.

ઈજારાદારને નોટિસ ફટકારી છે : કાર્યપાલ ઈજનેર

આ બાબતે માતર નાયબ કાર્યપાલક ઇજનેર ડી.બી. હળપતિનો સંપર્ક કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ બાબતે ઇજારેદાર દ્વારા તેની સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરતાં તેને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, નોટિસ મળ્યાં બાદ તરત જ કામ ચાલું નહીં કરવામાં આવે તો ટેન્ડર મેન્યૂઅલની શરતો મુજબ નિયમોઅનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આજ દિન સુધી તેમને કોઈ પેમેન્ટ પણ આપવામાં આવ્યું નથી.