વડોદરા, તા. ૧૩

સાંકરદા વિસ્તારમાં છેલ્લા મુળ ઉત્તરપ્રદેશનો એક બોગસ ડોક્ટર છેલ્લા ૫ વર્ષથી ક્લિનિક ચલાવીને એલોપેથીની પ્રેકટીસ કરતો હોવા છતાં તેની નંદેસરી પોલીસને કોઈ જાણકારી નહી થતાં આખરે પીસીબી પોલીસે નંદેસરી પોલીસ મથકની હદમાં દરોડો પાડીને ઝોલાછાપ બોગસ ડોક્ટરને ઝડપી પાડી તેની પાસેથી એલોપેથી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો.

શહેરના અલગ અલગ વિસ્તારમાં માન્ય ડિગ્રી વગર બની બેઠેલા ડોક્ટરો તેમના ત્યાં આવતા નિર્દોષ દર્દીઓના જીવને જાેખમાય તેવુ કૃત્ય કરતા હોય શહેર પોલીસ કમિ.એ આવા બોગસ ડોક્ટરને ઝડપી પાડવા માટે સુચના આપતા પીસીબી શાખા દ્વારા આવા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા માટે ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવ દરમિયાન પીસીબીની ટીમને માહિતી મળી હતી કે સાંકરદાગામમાં આવેલા યોગી શોપિંગ સેન્ટરની દુકાન નંબર-૧૫માં મખદુમ ક્લિનિક નામનું ડો. કે.એચ.ખાનનું દવાખાનું આવેલું છે જેમના બોર્ડ પર ડોક્ટરની કોઈ ડીગ્રી લખી નથી. આ વિગતોના પગલે આજે પીસીબીની ટીમે મખદુમ ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન દવાખાનામાં ૬૨ વર્ષીય કમરૂલહસન અવલહસન ખાન (હુસેનીપાર્ક, નવાયાર્ડ બ્રિજ પાસે, ગોરવા મુળ રહે. કમાલપુર ગામ, જી.કાસગંજ, ઉત્તરપ્રદેશ) એલોપેથી દવાની પ્રેકટીસ કરતા મળી આવ્યો હતો. કમરૂલહસનની પોલીસે પુછપરછ કરતા તેણે પોતાની આ ક્લિનિકના ડોક્ટર તરીકે ઓળખ આપી હતી જેથી પોલીસે તેની પાસે એલોપેથિક ડોક્ટરના સર્ટીફિકેટની માગણી કરી હતી જેમાં તેણે તેની પાસે ડોક્ટરનું સર્ટીફિકેટ નહી હોવાનું જણાવતા પોલીસે બોગસ ડોક્ટર કમરુલહસનની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં કમરુલહસન છેલ્લા ૨૦ વર્ષથી એલોપેથિક ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતો હોવાનું અને પાંચ વર્ષથી આ સ્થળે ક્લિનિક ધરાવતો હોવાનું જણાવ્યું હતું. કમરુલહસન બોગસ ડોક્ટર હોવાની જાણ થતાં પોલીસે તેની અટકાયત કરીને તેને નંદેસરી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. પોતાના વિસ્તારમાં વધુ એક બોગસ ડોક્ટર અન્ય એજન્સીએ ઝડપી પાડ્યો હોવાની જાણ થતા ઘોર નિંદ્રામાં પોઢતી નંદેસરી પોલીસ દોડતી થઈ હતી.