નવી દિલ્હી, તા.૧૮ 

ઇટાલીની ફૂટબોલ ટૂર્નામેન્ટ કોપા ઇટાલિયન કપમાં નેપોલી છઠ્ઠી વાર ચેમ્પિયન બન્યું છે. તેણે બુધવારે ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ક્રિસ્ટિઆનો રોનાલ્ડોની ટીમ યુવેન્ટસને ૪-૨થી હરાવી હતી. કોરોનાવાયરસ વચ્ચેની આ મેચ પ્રેક્ષકો વિના રમાઈ હતી. નેપોલી છેલ્લે ૨૦૧૪માં ચેમ્પિયન બન્યું હતું.

બંને ટીમો વચ્ચેની ફાઇનલ કોઈ ગોલ વિના ડ્રો રહી હતી. પેનલ્ટી શૂટઆઉટ બાદ પરિણામ આવ્યું હતું. રોનાલ્ડોને ટીમ તરફથી પેનલ્ટી લેવાની હતી, પરંતુ પાઓલો ડિબાલા અને ડેનિલો તે પહેલાં ગોલ ચૂકી ગયા હતા. આવી સ્થિતિમાં, પોતાનો વારો આવે તે પહેલા રોનાલ્ડો ડગઆઉટમાં બેસીને ટીમમાં હારતા જોઈ રહ્યો હતો.શૂટઆઉટમાં નેપોલી માટે લોરેંઝો ઇનસાઈન, માતેઓ પોલિતાનો, નિકોલા મેક્સીમોવિચ અને અર્કડ્‌યૂઝ મિલિકે ગોલ કર્યા હતા. યુવેન્ટ્‌સ માટે લિયોનારડો બોનુચી અને આરોન રેમ્સે ગોલ કર્યા હતા. આ ફાઇનલ મેચ ચીન અને ભારત સહિત ૫ મહાદ્વીપના ૨૦૦થી વધુ દેશોમાં લાઈવ બતાવવામાં આવી હતી.રોનાલ્ડોના સાથી ખેલાડી જુઆન કોડરાડોએ કહ્યું કે, “મેચ હાર્યા પછી દુખી છું. જ્યારે પણ મેચ પેનલ્ટી શૂટઆઉટમાં જાય છે, તો એક લોટરી જેવો થઈ જાય છે. તેમણે કહ્યું કે, રોનાલ્ડો પાસે મેચની પાંચમી મિનિટમાં ગોલ કરવાની શાનદાર તક હતી, પરંતુ નેપોલીના ગોલકીપર એલેક્સ મેરેટે તેને સફળ થવા દીધો નહોતો.

યુવેન્ટ્‌સના કોચ મોરિઝિયો સારીએ કહ્યું કે, રોનાલ્ડો જે સ્પીડ માટે જાણીતો છે, હવે તેના માટે જ ઝઝૂમી રહ્યો છે. આ બધું લોકડાઉનના કારણે મળેલા આરામના લીધે થયું છે. તેમણે કહ્યું કે, ખેલાડી જ્યારે લાંબા સમય સુધી મેચ નથી રમતા તો આમ થવું સામાન્ય બાબત છે. આ જીત સાથે નેપોલીને યુરોપા લીગના ગ્રુપ સ્ટેજમાં ડાયરેકટ એન્ટ્રી મળી ગઈ છે.