ગાંધીનગર, વડાપ્રધાન આજે મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેઓ ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સમાં હાજરી આપવા કેવડિયા પહોંચ્યા હતા. ત્યારે આ દરમિયાન ટૂંક સમયમાં જ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૨મી માર્ચના રોજ ફરી એક વખત અમદાવાદની મુલાકાતે આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવીને દાંડી માર્ચનો શુભારંભ કરાવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ગત ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ અંગ્રેજ સરકાર સામે ઐતિહાસિક દાંડી માર્ચ યોજી હતી. દાંડી માર્ચને આગામી તા. ૧૨મી માર્ચના રોજ ૯૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે તેની યાદગીરીમાં વિશ્વ સ્તરે દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. આ સાથે જ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના આગામી ગુજરાત પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તા. ૧૨મી માર્ચના રોજ વડાપ્રધાન ઉપરાંત અન્ય કેટલાક કેન્દ્રીય નેતાઓ પણ અમદાવાદના પ્રવાસે આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.