અમદાવાદ-

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડિયા અને તેમના ભાઈ મહેશ કનોડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ બંનેને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જેમાં “મહેશ-નરેશ સ્મૃતિના સથવારે” સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સામાજિક ન્યાય મંત્રી પ્રદીપ પરમાર,શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે જ રાજ્યની અનેક નામી હસ્તીઓ પણ હાજર રહી, તો ગુજરાતી કલાકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જીગ્નેશ કવિરાજ,પાર્થિવ ગોહિલ સહિત રાજ્ય ભરના કલાકારો ઉપસ્થિત રહ્યાં. 

કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સંદેશો આપ્યો છે કે, નરેશ-મહેશ કનોડિયાને આગામી 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. આ રીતે ભારત સરકાર શ્રેષ્ટ નાગરિક સન્માન દ્વારા આ બંને ભાઈઓનું મરણોપરાંત સન્માન કરશે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકારને અપાતા એવોર્ડ પૈકી નરેશ કનોડિયાને પ્રાપ્ત થયેલ એવોર્ડ

1) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)

2) શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81)

3) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)

4) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)

5) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)

6) દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ (2012).

7) પદ્મશ્રી (2021)

નરેશ કનોડિયાએ કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી,  તેમનો કારકિર્દીનો વ્યાપ આશરે 40 વર્ષોનો છે. નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ચલચિત્રોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલા મારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે 125 ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.તેઓ ગુજરાતના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકારને અપાતા એવોર્ડ પૈકી મહેશ કનોડિયાને પ્રાપ્ત થયેલ એવોર્ડ

1) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (1970-71) (સંગીતકાર તરીકે)

2) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે)

3) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)

4) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)

5) શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (1981/82)

6) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે)

7) પદ્મશ્રી (2021)

મહેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.