ભરૂચ : શુકલતીર્થ અને તેની આસપાસમાં આવેલા ગ્રામ્ય વિસ્તારો ખેતી ઉપર ર્નિભર છે તેની સાથે સંકળાયેલો ખેત મજુર- શ્રમજીવી વર્ગની આજીવિકા પણ ખેતી ઉપર જ ર્નિભર છે ત્યારે હાલમાં નર્મદામાં આવેલા પુરના કારણે નીચાણવાળા ખેત વિસ્તારોમાં કિસાનોની ખેતીને પારાવાર નુકશાન થયેલ છે. જેમાં સૌથી વધુ પ્રમાણમાં નદી કાંઠાના બેટ અને ભાઠા વિસ્તારમાં અને કડોદ-કરજણ-મંગલેશ્વર તરફના વરસાદી કુદરતી કાંસની આસપાસના ખેતરોમાં પુરના પાણી ફરી વળતા કપાસ, કેળ, તુવર, ફૂલો અને શાકભાજીની ખેતીને નુકશાન થવા પામ્યું છે. 

પુરના પાણી ઓસર્યા બાદ ખેડૂતોને એક આશા હતી કે જો વરસાદ પડે તો ખેતીના પાક ઉપર ઠરેલી કંપી ધોવાઈ જાય અને કેટલેક અંશે ખેતીનો પાક બચી જાય તેમ છે, પણ તેના બદલે ભાદ્ર પક્ષ એટલે કે હરાધીયાનો તાપ શરુ થતા જ ૩૦ થી ૩૫ ડીગ્રી ગરમીમાં પાક તદ્દન સુકાઈ જવા પામેલ છે.ખેડૂતોને ચોમાસા દરમિયાન અને વાવેતર કરતા સમયે ઘણી આશાઓ હતી જે નર્મદાના પુરના પાણીએ નિરાશામાં અને હતાશામાં બદલી નાંખી છે. એક તરફ કેળની ખેતી કરતા ખેડૂતોએ વિવિધ ટીસ્યુ કલ્ચર એજન્સીઓ પાસેથી ૧૦ થી ૧૫ રૂપિયાના કેળના ટીસ્યુ રોપા ખરીદીને તેમાં ખાતર, પાણી મજુરી ખર્ચ, દવાનો ખર્ચ અને ભૂંડોના ત્રાસથી બચવા પ્રોટેક્શન ફેન્સીંગ અને ઝાટકા મશીનોથી પ્રોટેક્ટ કરવાનો અઢળક ખર્ચ કરી ઉછેરવામાં આવેલી નવી કેળની ખેતીને નર્મદાના પુરને કારણે ભારે નુકશાન થયેલ છે તે જીંડવાથી ફલિત થયેલા કપાસના પાકને પણ નુકશાન થયેલું છે તુવાર અને શાકભાજીના પાકને પણ અતિશય નુકશાન થતા આ તરફથી શાકભાજી સાથે સંકળાયેલા શાકભાજી વિક્રેતાઓને અસર થવા પામી છે.જ્યારે ભાડભૂત ખાતે વિયર-કમ-કોઝ-વે બનશે તો ખેડૂતોને દર ચોમાસા દરમિયાન કેવું અને કેટલું નુકશાન વેઠવું પડશે તેનો ભય સતાવી રહ્યો છે.