દિલ્હી-

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર યાને એનએસએ અજીત ડોભાલ પાકિસ્તાન અને ચીન જેવા ભારત વિરોધી રાષ્ટ્રોને કાયમ આંખમાં કણાની માફક ખૂંચતા રહ્યા છે અને તેમને નિશાન બનાવવા માટે અનેક કાવતરાં પણ કરે છે. તેને પગલે હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશ સાથે જોડાયેલા હિદાયત-ઉલ્લાહ મલિક પાસેથી ડોભાલની ઑફિસની રેકીનો એક વીડિયો સામે આવ્યા બાદ આ પગલા લેવામાં આવ્યા છે. કાશ્મીરના શોપિયાંના રહેવાસી મલિકને 6 ફેબ્રુઆરીએ ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય લોકોની પોલીસ તલાશ કરી રહી છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બાબતે થોડો સમય પહેલા રેકી કરવામાં આવી હતી. પોલીસને આ પ્રકારે માહિતી એકઠી થઈ હોવાનું જણાતાં તેણે તપાસ આદરી હતી. મલિકે ડોભાલની ઑફિસ અને શ્રીનગરમાં અન્ય વિસ્તારોના વીડિયો રેકોર્ડ કર્યા હતાં. પાકિસ્તાનમાં અનેક આતંકવાદી સંગઠનો ડોભાલને પોતાના હુમલાના નિશાન બનાવવા માંગતા હોવાના સગડ પણ મળ્યા છે. મલિકે આ વીડિયો પોતાના આકાઓને પાકિસ્તાન મોકલ્યા હતા. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી આ બાબતે એલર્ટ થઈ જતાં તેણે સુરક્ષા બંદોબસ્ત ચાંપતો કરી દીધો છે.