વડોદરા : શહેરના મોટાભાગના નાગરિકો મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરે છે. વૃક્ષોને ઉછેરે પણ છે પરંતુ આ વૃક્ષ મોટું થયા પછી વૃક્ષના રક્ષણ માટે મુકેલું પાંજરું ક્યારેક તેના માટે ભક્ષક બની જાય છે. ત્યારે શહેરના નેચરવોક ગ્રૂપ દ્વારા આવા વૃક્ષોને પાંજરામાંથી મુક્ત કરવા માટે છેલ્લા પાંચ મહિનાથી અભિયાન શરૂ કર્યુ હતુંુ. આજે ફ્રી ધ ટ્રી અભિયાન અંતર્ગત ૧૦૦૦મું વૃક્ષ પાંજરામાંથી મુક્ત કર્યુ હનું. આ પ્રસંગે માજી મેયર ડો.જિગીષાબેન શેઠ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. 

શહેરના નેચરવોક ગ્રૂપના પ્રણેતા અરુણ મઝુમદાર અને તેમની ટીમ દ્વારા વૃક્ષારોપણ બાદ યોગ્ય રીતે ઉછરેલા વૃક્ષો કે જેમને પાંજરા નડતરરૂપ બને છે તેવા વૃક્ષોને પાંજરામાંથી મુક્ત કરાવવા ફ્રી ધ ટ્રી અભિયાન ગત તા.૨૦મી જુલાઈથી શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધર્યું હતું. જેમાં હેન્ડ ડ્રીલ, કટર, કોસ વગેરેની મદદથી વૃક્ષોને પાંજરામાંથી મુક્ત કરવાની કામગીરી શરૂ કરી હતી, જેનાથી વૃક્ષનો કુદરતી રીતે ગ્રોથ થઈ શકે.

દર શનિવાર અને રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં ડોક્ટર, એન્જિનિયર્સ, શિક્ષકો, અન્ય શાખાઓના સ્નાતકો, શાળાના બાળકો વગેરે જાેડાતા ગયા અને વૃક્ષોને પાંજરામાંથી મુક્ત કરવામાં આવેલા પાંજરા ફરીથી બીજા છોડના રક્ષણ માટે સ્થાનિકોને આપી દીધા હતા. સ્વયંસેવકોની મહેનતના કારણે ફક્ત પાંચ મહિનામાં ૧૦૦૦ વૃક્ષોને પીડારહિત જીવન આપ્યું હતું. આજે સવારે વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે નેચરવોક ગ્રૂપના સભ્યો દ્વારા ફ્રી ધ ટ્રી અભિયાન અંતર્ગત ૧૦૦૦મા વૃક્ષને પાંજરામાંથી મુક્ત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ મેયર ડો.જિગીશાબેન શેઠ અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.