વડોદરા

થોડાક સમય અગાઉ માજી સાંસદ સત્યજીત ગાયકવાડને માસ્કના મુદ્દે જાહેરમાર્ગ પર લાફા ઝીંકી દેવાના બનાવમાં સંડોવાયેલા નવાપુરામાં વિવાદાસ્પદ પીએસઆઈ પટેલે આજે મતદાન કેન્દ્ર પર ભાજપાના ઉમેદવારને ધક્કો મારીને બહાર હડસેલવાનો પ્રયાસ કરતા વિવાદ થયો હતો. પીએસઆઈની કરતુતના પગલે ભાજપા કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો અને એક તબક્કે મતદાનની ઓરડીમાં જ ઘર્ષણ સર્જાયું હતું.

શહેર કોંગ્રેસના અગ્રણી અને માજી સાસંદ સત્યજીત ગાયકવાડને થોડાક સમય અગાઉ બહેનને ખોટી રીતે માસ્કના મુદ્દે દંડ ફટકારવાના મુદ્દે બગીખાના પાસે ફરજમાં હાજર નવાપુરા પોલીસ મથકના પીએસઆઈ ડી.એસ.પટેલે ઉશ્કેરાઈને માજી સાસંદે પોતાની ઓળખ આપવા છતાં જાહેરમાર્ગ પર લાફા ઝીંક્યા હતા અને એટલું ઓછુ હોય તેમ નજીક આવેલા સત્યજીત ગાયકવાડના ઘરે જઈ તેમને ધમકી આપી હતી. આ મુદ્દે કોંગી અગ્રણીઓ દ્વારા ભારે વિરોધ થયો હતો અને તેની શહેર પોલીસ કમિ.ને પણ ફરિયાદ કરાઈ હતી. આ બનાવના ગણતરીના દિવસોમાં પીએસઆઈ ડી.એસ.પટેલે આજે કોર્પોરેશનની ચૂટણીમાં ભાજપાના ઉમેદવાર સાથે ઉધ્ધત વર્તન કરતા ફરી વિવાદ સર્જાયો હતો.

કોર્પોરેશનના વોર્ડ નંબર -૧૩ હેઠળ આવતા મતદાન કેન્દ્રો પૈકીના બગીખાના પાસેની નવજીવન હાઈસ્કુલના બુથ નંબર ૧૦માં આજે બપોરના સમયે એક ઈવીએમમાં બે નંબરનું બટન દબાતું નહોંતુ. આ અંગેની મતદાન કરીને બહાર નીકળેલા મતદારોએ જાણ કરતા વોર્ડ-૧૩ના ભાજપાના ઉમેદવારો નિશીકાંત ચૈાહાણ અને જાગૃતી કાકા સહિતના ઉમેદવારો અને કાર્યકરો તપાસ માટે ૧૦ નંબરના બુથમાં દોડી ગયા હતા. જાેકે આ બુથમાં હાજર પીએસઆઈ ડી.એસ.પટેલે ઉમેદવાર કે કાર્યકરોની કોઈ વાત સાંભળી નહોંતી કે પ્રિસાઈડીંગ ઓફીસર સાથે વાત કરવા દીધી નહોંતી અને તમામને બહાર કાઢવા માટે બળપ્રયોગ કરી નિશીકાંત ચૈાહાણને રીતસર ધક્કો મારી બહાર હડસેલવાનો પ્રયાસ કર્યો હતો. પીએસઆઈ પટેલની આ વર્તણુંકથી ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓએ હોબાળો મચાવતા કેટલીક મિનીટો માટે મતદાન પણ રોકવામાં આવ્યું હતું. જાેકે અન્ય ભાજપા અગ્રણીઓ આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો અને બધા બુથમાંથી બહાર નીકળી ગયા બાદ ઠેક બપોર બાદ ઉક્ત ઈવીએમ બદલવામાં આવ્યું હતું.