નવસારી-

ફિલ્મમાં જોઇને ભાઇગીરી કરવાની આદત ઘણીવાર મુશ્કેલી નોતરી શકે છે અને ક્યારેક હોસ્પિટલના બિછાને અથવા જેલના સળીયા ગણતા કરી દે છે. આવી જ ઘટના ગણદેવી તાલુકામાં સામે આવી છે. જેમાં દોઢ વર્ષ અગાઉ સામે જોવા બાબતે થયેલી માથાકૂટનો બદલો લેવા ખેરગામના યુવાનોએ ગણદેવીના બે યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો.

ગણદેવી તાલુકાના માંકલા ફળિયામાં રહેતા યશ પટેલ અને કલ્પેશ પટેલે દોઢ વર્ષ અગાઉ ખેરગામના આકાશ પટેલને 'તું મારી સામે તાકીને શું જોયા કરે છે' જેમ કહીને નજીવી બાબતે માર માર્યો હતો. જોકે, સમગ્ર મુદ્દે સમાધાન થયુ હતુ, પણ આકાશ બદલાની આગમાં સળગતો રહ્યો હતો. જેમાં યશ અને કલ્પેશને બતાવી દેવાની લ્હાયમાં આકાશે બન્નેને માર મારવાનો પ્લાન પોતાના મિત્રો સાથે ઘડી કાઢ્યો હતો. જે બાદ તક મળતા જ આકાશે રવિવારે યશ અને કલ્પેશને ખેરગામ બોલાવ્યા હતા અને બાદમાં પોતના મિત્રો નીરવ પટેલ, ફૈઝાન શેખ અને દિપક પટેલ સાથે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ચારેય આરોપીઓએ કલ્પેશ અને યશ પર નિર્દયતા પૂર્વક ચપ્પુ અને કુહાડી અને લાકડાના ધોકા સાથે તૂટી પડી બન્નેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કલ્પેશને માથામાં ગંભીર ઈજા થતા સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આકાશ, નિરવ, ફૈઝાન અને દીપકની ધરપકડ કરી, જેલના સળિયા ગણાતા કરી દીધા હતા. એક તરફ ચારેય હુમલાખોર જેલના સળિયા પાછળ ધકેલયા છે, તો બીજી તરફ ફરિયાદી યુવાનો પણ પોતાની દોઢ વર્ષ અગાઉની નાદાનીયતનું પરિણામ હોસ્પિટલના બિછાને ભોગવી રહ્યા છે. ત્યારે આજકાલના ધીરજ ગુમાવી બેઠેલા યુવાનો બદલાની આગ કેટલાયને દઝાડે છે, તેવી શીખ મેળવી લે તો પણ સમાજનું કલ્યાણ થાય તેમ છે.