નવસારી-

ખડસુપાથી સાતેમ જતા માર્ગ પર પારડી ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક મંગળવારે બપોરે ધૂમ સ્ટાઇલમાં પુર ઝડપે આવતી બાઇકના ચાલકે ઓવરટેક મારવાની લાહ્યમાં સામેથી આવતા હળપતિ પરિવારની બાઇક સાથે ધડાકાભેર ભટકાવી દીધી હતી. આ ગોઝારા અકસ્માતમાં બંને બાઇક ચાલકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતુ. જયારે હળપતિ યુવાનની પત્ની અને પુત્રીને ગંભરી અવસ્થામાં 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના ખડસુપા પીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે ગ્રામ્ય પોલીસે બંને મૃતક યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ શરૂ કરી છે. યુવાનોમાં બાઇક કે કાર બંને ઓવર સ્પીડમાં ચલાવવાની આદત ઘણીવાર જીવન ગુમાવવા સુધી પહોંચી જાય છે. ઓવર સ્પીડમાં ઘણા યુવાનોએ બાઇક સ્લીપ થવાને કારણે કે આગળના વાહન સાથે કે સામેથી આવતા વાહન સાથે અથડાવાને કારણે જીવ ગુમાવ્યો છે. પારડીની ઘટનામાં પણ ઓવર સ્પીડમાં પલ્સર ચલાવીને આવેલા જીગ્નેશે, પોતાનો જીવ તો ગુમાવ્યો જ, પણ સામેથી આવતા યોગેશના પરિવારનો આધાર પણ છીનવી લીધો છે. જેથી જીગ્નેશની ઓવર સ્પીડની મજાએ હસતા રમતા પરિવારને વિખેરી નાખતા શોકની લાગણી ફેલાવા પામી છે