વડોદરા

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાકી પાછળ આવેલ તુલસીવાડી શાક માર્કેટને લઈને થતી અસુવિધાને લઈને સ્થાનિક રહીશો દ્વારા પાલિકામાં એ બાબતની ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને એક્શનમાં આવેલ પાલિકા તંત્ર ની દબાણ શાખાની ટુકડી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓપેરેશન હાથ ધરીને તુલસીવાડી શાક માર્કેટ પર લારી ગલ્લા પાથરણાવાળાઓ શાકભાજીનો વેપાર શરુ કરે એ પહેલા તેઓને અટકાવી દેવામાં આવ્યા હતા. તેમજ તેઓને તુલસીવાડીના બદલે પાણીની ટાકીથી હાથીખાના તરફ જતા માર્ગ પર વેપાર કરવાને માટે આદેશ કરવામાં આવ્યો હતો. જાે કે આને લઈને તંત્રને માટે બકરું કાઢતા ઉંટ પેઠા જેવી સ્થિતિ નિર્માણ થવા પામી હતી. તુલસીવાડીના આંતરિક માર્ગને બદલે મુખ્ય માર્ગ પર શાકભાજીવાળાઓએ અડ્ડો જમાવતા યોગ્ય જગ્યા પર ઉભા રહેવાને માટે આંતરિક વિખવાદ પણ પોલીસની હાજરીમાં થવા પામ્યો હતો.

આ વાત આટલેથી જ ન અટકતા ત્યાંના રહીશોએ પણ એનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત મુખ્ય માર્ગ પર શાકભાજી માર્કેટ ભરાતા ત્યાંથી આવનજાવન કરનારાઓ અને વાહન ચાલકોને માટે સમસ્યાઓ સર્જાઈ હતી. આ ઉપરાંત અકસ્માતો વધવાની શક્યતા પણ દર્શાવાઈ રહી છે.

ગધેડા શાક માર્કેટ સ્થળાંતર પછી પણ જૈસે થે

શહેરના કિશનવાડી પાસે મુખ્ય માર્ગના ચાર રસ્તા પર ભરાતા અને ગધેડા શાક માર્કેટ તરીકે પ્રચલિત બજારનું નજીકના ખાલી પ્લોટમાં સ્થળાંતર કરાયું હતું. પરંતુ થોડા દિવસોમાં આ માર્કેટ પુનઃ મૂળ સ્થાને મુખ્ય માર્ગ પર ધમધમતું થઇ ગયું છે.