અંક્લેશ્વર : સુરત નેશનલ હાઇવે નંબર ૪૮ કોસંબા નાં સવા પાટીયા થી છેલ્લા કેટલાક દિવસો થી ટ્રાફિકની સમસ્યા તંત્ર માટે સરદર્દ સમાન બની ગઈ છે અને વરસાદમાં માર્ગ પર પડેલા ખાડા તેમજ બ્રિજની કામગીરી ને પગલે સેંકડો વાહનો કતારમાં લાગી ગયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરથી સુરત કામરેજ ચાર રસ્તાનું અંતર ૪૦ થી ૪૫ કિલો મીટરનું છે અને વાહનોને આ માર્ગ પરથી પસાર થતા પણ અંદાજીત ૪૦ થી ૫૦ મિનિટ નો સમય લાગે છે , જોકે વર્તમાન સમયમાં વાહન ચાલકો નાં સળસળાટ દોડતા વાહનો કોસંબા નજીક આવેલા સવા પાટીયા થી થંભી રહ્યા છે , જેનું કારણ ભારે ટ્રાફિક જામની સમસ્યા છે.

સેંકડો વાહનોની અવરજવર થી ૨૪ કલાક ધમધમતો નેશનલ હાઇવે નંબર ૪૮ પર ટ્રાફિકની સમસ્યા કોઈ નવી વાત નથી , પરંતુ આ બધી મુશ્કેલીનો સામનો આખરે નિર્દોષ પ્રજાએ જ કરવો પડી રહ્યો છે.જાણવા મળ્યા મુજબ અંકલેશ્વર તરફ થી સુરત તરફ જતા વાહનો સવા પાટીયા પાસે આવીને થંભી રહ્યા છે , અહીંયા ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને સર્વિસ રોડ પર વરસાદમાં ખાડા પડી ગયા છે જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી જતા વાહન ચાલકોએ માથાના દુખાવા સમાન ટ્રાફિક માં અમૂલ્ય સમય બગાડવો પડી રહ્યો છે.હાલમાં કોસંબા પોલીસ મથક નાં પીઆઇ ચૌહાણ સહિતનો પોલીસ કાફલો પણ ટ્રાફિક નો કોયડો ઉકેલવા માટે પ્રયત્નો કરી રહયા છે. જ્યારે ટોલટેકસ સહિતનો ટેક્સ ચુકવતા વાહન ચાલકો માં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. વાહનોની લાંબી કતાર જામતાં ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.