વિક્કી જાેશી : કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી વિશ્વ વિરાટ પ્રતિમાને લઈ દુનિયાના નકશામાં અંકિત થવા સાથે અજાયબી બની ગયું છે. વર્લ્‌ડ કલાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા કેવડિયા ખાતે રૂપિયા ૬૨ કરોડના ખર્ચે વર્લ્‌ડ કલાસ રોપ વે બનાવવા સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી ટેન્ડર જારી કરી દેવાયું છે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી , નર્મદા ડેમ સાઇટ કેવડિયા ખાતે એક બાદ એક આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે. સફારી પાર્ક, કેકટર્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, બોટિંગ, બટરફલાય ગાર્ડન, ટેન્ટ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની સુવિધાઓ, આકર્ષણો માં હવે વિશ્વકક્ષાનું વધુ એક નજરાણું સરકાર ઉમેરવા જઇ રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ૪૦૦૦ કરોડનો મહત્વકાંક્ષી પ્રોજેકટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ હોવા સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈને દેશના ૧૮૨ રજવાડા ભેગા કરવા અપાયેલ યોગદાનની અંજલિ રૂપ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ ચુકી છે ત્યારે વર્ષે ૫૦ લાખ પ્રવાસીઓને આવકારવા સરકારે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે વીંધ્યાચલ તેમજ

સાતપુડાની ગિરિમાળાને જોડતી વિશ્વકક્ષાની રોપ વે ( કેબલ કાર ) માટે ટેન્ડર બહાર પાડ્યું છે. યુરોપિયન ડિઝાઇન, ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ મુજબ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેકટર્સ ગાર્ડનને જોડતી ૧.૨૫ કિલોમીટર લાંબી રોપ વે રૂપિયા ૬૨ કરોડના ખર્ચે ૨૪ મહિનામાં સાકાર કરવામાં આવશે. રોપ વે શરૂ થતાં નદીના એક છેદે થી રોપ વે માં બેસી પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓ નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નીચેથી પસાર થતી નર્મદા નદી, સફારી પાર્ક, કેકટર્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, ગ્રીન વેલી સહિત આહલાદક નજારાઓ માણી શકશે.