જામનગર-

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કૃષિ કાયદો અમલમાં લાવવા કૃષિબિલ પસાર કર્યું છે. જેમાં સમગ્ર ભારતમાં હાલમાં વિરોધ પ્રર્વતિ રહ્યો છે. ત્યારે જામનગર શહેરમાં ગુજરાતના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ આજ રોજ પત્રકાર પરિષદમાં આ કૃષિ કાયદાથી ખેડૂતોને થનાર લાભો અંગે માહિતી રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે, આ કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે. આ કાયદામાં એવી એક પણ વાત નથી કે, જેનાથી ખેડૂતોને કોઇ નુકસાની જશે. વડાપ્રધાને ખેડૂતો માટે સતત ચિંતિત રહ્યા છે અને વડાપ્રધાને વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે. જેનો તમામ લોકોએ આહવાન ઝિલ્યુ છે અને ખેડૂતોને પુરતી સહાય અને ખેડૂતોને પોતાનો પાકના પુરતા ભાવો મળી રહે તે માટેના આયોજનો છે.

આ કૃષિ બિલથી એપીએમસી ચાલુ જ રહેશે. તેનાથી ખેડૂતોને પણ ફાયદો મળશે. કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ-સિંધુ બોર્ડર ઉપર ખેડૂતોનું ઐતિહાસિક આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનની અસર અન્ય રાજ્યોમાં પણ પડી રહી છે. આ આંદોલનની જવાળાઓ દેશના વિવિધ રાજ્યોમાં પ્રસરી રહી છે. જેમાં જામનગર જિલ્લાના ખેડૂતો પણ આ આંદોલનની આગમાં પહોંચ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોને આ કૃષિ કાયદા અંગે માહિતગાર કરવાના વિવિધ કાર્યક્રમો કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભાજપની ટીમ દરેક જિલ્લામાં ખેડૂતોને નવા કૃષિ કાયદા અંગે સમજ આપશે.

આજે જામનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેબિનેટ કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આ બિલ અંગેના ફાયદા મિડીયા સમક્ષ રજૂ કર્યા હતાં. આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની વિજયભાઇ અને નીતિનભાઇની સરકાર ખેડૂતો માટે સતત ચિંતિત છે. આ પત્રકાર પરિષદમાં કેબિનેટ કૃષિમંત્રી આર.સી. ફળદુ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા તથા સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા રાજુભાઇ ધ્રુવ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.