ગાંધીનગર, શુક્રવારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે આદિવાસી નેતા સુખરામ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામની સાથોસાથ વિધાનસભા વિરોધ પક્ષના નેતા તરીકે પણ દિલ્હીના મોવડીમંડળ દ્વારા સુખરામ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેના અંતર્ગત આજે સાંજે ગાંધીનગર વિધાનસભા ખાતેના કોંગ્રેસ પક્ષના બેઠક હોલમાં કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં વિધાનસભા વિરોધ પક્ષના નવા નેતા તરીકે સુખરામ રાઠવાના નામનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પક્ષના તમામધારાસભ્યો દ્વારા સુખરામ રાઠવાના નામને અનુમોદન આપીને વિધાનસભા વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ પરેશ ધાનાણીના નિવાસસ્થાને તમામ નેતાઓના ભોજન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, નવા વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ ડિનર ડિપ્લોમસીમાં ઉપસ્થિત રહ્યા હતા.