ગાંધીનગર-

રાજ્યમાં 6 મનપાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ગાંધીનગર મનપાની ચૂંટણી પણ યોજાવાની હતી. પરંતુ ચૂંટણી પંચ દ્વારા મે મહિના બાદ કોરોનાના કેસમાં વધારો થતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આખરે રાજ્યના ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે.

રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે પત્રકાર પરિષદ યોજી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, તારીખ 3 ઓક્ટોબર, 2021ના રોજ મતદાન યોજાશે અને મતગણતરી 05 ઓક્ટોબર, 2021ના રોજ યોજાશે. આ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.

સંજય પ્રસાદે જણાવ્યું કે, 13 સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર, 2021 છે અને ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર, 2021 છે. તેઓએ જણાવ્યું કે, તારીખ 03 ઓક્ટોબરના રોજ સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણીનું મતદાન યોજાશે અને 05 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયના કાર્યક્રમ અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલના રોજ મતદાન થવાનું હતું અને 20 એપ્રિલના રોજ મતગણતરી યોજાવાની હતી પરંતુ કોરોનાના કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સાથે ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની પણ ચૂંટણી જાહેર કરાઈ છે.