સુરત-

શહેરમાં કોઈપણ જગ્યાએ બાળકો ભીખ માગતાં દેખાય તો જાગ્રત નાગરિકો પણ હવે પોલીસને ૧૦૦ નંબર પર કોલ કરી માહિતી આપી શકે છે, જેથી પોલીસ તાત્કાલિક પહોંચી બાળકને રેસ્ક્યૂ કરશે, સાથે ભીખ મગાવનારા સામે કાર્યવાહી કરાશે, એવું પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે. સુરત શહેરમાં ખાસ કરીને ધાર્મિક સ્થળોની બહાર અને ટ્રાફિક સિગ્નલો પર નાનાં બાળકો પાસે ભીખ મગાવતા હોવાના કિસ્સાઓ અગાઉ પ્રકાશમાં આવ્યા હતા, જેને કારણે સીપીએ નાનાં બાળકો પાસે ભીખ મગાવતા વાલીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કર્યો હતો, સાથે સીપીએ ટ્રાફિક-પોલીસ અને સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરી છે.

નાનપણથી જ ભીખ માગતો બાળક મોટો થઈ ગુનાખોરીના રસ્તે જઈ શકે છે, જેથી પોલીસે સુધારાલક્ષી ઝુંબેશ ઉપાડી છે. મિસિંગ સેલે ૨૬મી ડિસેમ્બરે અડાજણથી ૫ બાળકને રેસ્ક્યૂ કર્યાં હતાં, જેમાં ૪ બાળકને તેનાં માતા-પિતા ડેઇલી ૫૦૦ની ભીખ માટે દબાણ કરતાં, ખટોદરામાં ૧૦ બાળકને રેસ્ક્યૂ કરાયાં હતાં. સરથાણામાંથી ૯ બાળકોને રેસ્ક્યૂ કરાયાં. ઉધનામાં ચાઇલ્ડ લેબરે ૪ બાળકને રેસ્ક્યુ કરાયાં હતાં. ભીખ માગતાં જે બાળકો મળી આવે તેને પહેલા બાળગૃહમાં મોકલી આપવામાં આવે છે, જ્યાં તેનું કાઉન્સેલિંગ થાય અને પછી મેડિકલ ચેકઅપ થાય છે. વાલીઓ બાળક લેવા આવે ત્યારે પુરાવા આપવાના હોય છે.

તે પુરાવા પોલીસ વેરિફિકેશન કરે પછી એનઓસી આપે, પછી બાળકને વાલીને સુપરત કરવામાં આવે છે. સરથાણામાં ગુરુવારે સાંજે મંદિર પર ભીખ માગતાં ૪ બાળકને રેસ્ક્યૂ કરાયાં હતાં. ૪ પૈકી બે બાળકમાં એકની ૧૭ અને બીજાની ૧૬ વર્ષની ઉંમર છે. બન્ને ભાઈ મૂળ પાટણના છે. ભીખ માગી જે રૂપિયા મળે એ વતનમાં માતા-પિતાને આપવા જતા હતા. ૯ વર્ષ અને ૭ વર્ષના બાળકની ભીખના રૂપિયા બીજા લોકો લઈ લેતા હતા.