વોશિંગ્ટન-

અમેરીકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડેમોક્રેટીક પક્ષના ઉમેદવાર જો બિડેન બુધવારે તેમના પદ અને ગોપનિયતાના શપથ લેશે. ટ્રમ્પના ટેકેદારો દ્વારા તાજેતરમાં કરાયેલા હિંસક દેખાવો બાદ સમગ્ર અમેરીકામાં આ શપથવિધિ એક સંવેદનશીલ બાબત બની ગઈ હોવા છતાં તંત્ર દ્વારા પૂરતો જાપ્તો રાખવામાં આવ્યો છે. પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનનારા ભારતીય મૂળના કમલા હેરીસે મંગળવારે સેનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. 

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એ શપથ ગ્રહણ કાર્યક્રમ સવારે લગભગ 11 વાગ્યે શરૂ થશે. ગાયિકા-નૃત્યાંગના લેડી ગાગા રાષ્ટ્રગીત ગાશે અને અમાન્ડા ગોરમેન આ અવસરે લખેલી એક ખાસ કવિતા રજૂ કરશે. અભિનેત્રી-ગાયિકા જેનિફર લોપેઝ પણ આ દરમિયાન પ્રસ્તુતી આપશે. મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સ 12 વાગતતા જ કેપિટલના વેસ્ટ ફ્રન્ટમાં બિડેનને પદના શપથ અપાવશે. શપથ ગ્રહણનું આ પારંપરિક સ્થળ છે જ્યાં નેશનલ ગાર્ડ્સના 25 હજારથી વધુ જવાન સુરક્ષામાં તૈનાત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકોના હિંસક પ્રદર્શનને જોતાં આ સ્થળને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ઉંમરના રાષ્ટ્રપ્રમુખ બનવા જઇ રહેલા 78 વર્ષીય બિડેન પોતાના પરિવારની 127 વર્ષ જૂની બાઇબલની સાથે શપથ લેશે. આ દરમિયાન તેમની પત્ની જિલ બિડેન પોતાના હાથમાં બાઇબલ લઈને ઊભી રહેશે બિડેન શપથ ગ્રહણના તરત બાદ રાષ્ટ્રપ્રમુખ તરીકે દેશને નામ પોતાનું પહેલું સંબોધન આપશે. ઐતિહાસિક ભાષણ ભારતીય મૂળના અમેરિકન નાગરિક વિનય રેડ્ડીએ તૈયાર કરી રહ્યા છે, જે એકતા અને સૌહાર્દ પર આધારિત હશે.ભારતીય મૂળના 56 વર્ષીય કમલા હૈરિસ પહેલી મહિલા, પહેલી અશ્વેત અને પહેલી દક્ષિણ એશિયન અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ બનીને ઈતિહાસ રચશે. તેમને સુપ્રીમ કોર્ટની પહેલી લેટિન સભ્ય ન્યાયમૂર્તિ સોનિયા સોટોમેયર પદના શપથ અપાવશે. સોટોમેયરે બાઇડનને 2013માં ઉપરાષ્ટ્રપ્રમુખના શપથ અપાવ્યા હતા. તેઓ બે બાઇબલને લઈને શપથ લેશે જેમાં એક નજીકના મિત્ર રેગિના શેલ્ટનની હશે અને બીજી દેશના પહેલા આફ્રિકન મૂળના અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ થુરગૂડ માર્શલની હશે.