આણંદ : આણંદ-ખેડા જિલ્લામાં દિવાળી ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક મનાવ્યા બાદ હવે આવતીકાલે હિન્દુ નવાંની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ચાર વર્ષ પછી દિવાળીના બીજા દિવસે પડતર દિવસ હોવાથી મંદિરોમાં આ દિવસે વિશેષ પૂજન અને મહાઅન્નકુટોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. નવા વર્ષના વધમણા માટે રવિવાર બજારોમાં ખરીદી માટે ભાડે ભીડ જામી હતી. શનિવારે સવારથી બપોરના ૩ વાગ્યા સુધી કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લાંભવેલ હનુમાનજી મંદિર, આણંદ રોકડિયા હનુમાનજી મંદિર સહિત જિલ્લાના હનુમાનજી મંદિરો વિશેષ મારૂતી યજ્ઞ સહિત અન્નકુટોત્સવ ઉજવણી કરાઈ હતી. શનિવાર સાંજના સમયે દિવાળીનો પ્રારંભ થતાં વેપારીઓ દ્વારા દુકાનોમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. 

આણંદ સ્વામિનારાયણ મંદિર સહિતના મંદિરોમાં દિવાળી નિમિતે ચોપડાપૂજન યોજાયું હતું. મોડી રાત સુધી અવનવાં ફટાકડા ફોટીને લોકોએ દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ વખતે પડતર દિવસ હોવાથી રવિવારે આણંદ -નડિયાદના બજારો ખુલ્લાં રહ્યાં હતાં. નવાં વર્ષની વધામણાની તૈયારી માટે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે આણંદ અને નડિયાદ પહોંચ્યા હતા, જેનાં કારણે દિવસ દરમિયાન ભારે ભીડ રહેવાની સંભાવના હતી. આણંદ શહેરમાં આવેલાં બજારો મોડીરાત્રે દિવડા અને રોશનીથી ઝગમગી ઉઠ્‌યાં હતાં. મોડીરાત્રીના લોકોએ અવનવાં ફટાકડાં ફોડીને આનંદ ઉત્સવ મનાવ્યો હતો. નવાં વર્ષની ઉજવણી માટે જિલ્લાના વિવિધ મંદિરોમાં ભારે ઉત્સાહપૂર્વક તૈયારીઓ ચાલી રહી છે.