આણંદ : હવે આગામી રવિવારે આણંદ પાલિકાના ચૂંટણી જંગમાં આગામી પાંચ વર્ષ કોનું શાસન આવશે તેનો ફેંસલો થવાનો છે. છેલ્લાં દસ વર્ષનાં લેખાંજાેખાંના કારણે જામતાં ચૂંટણી જંગ વચ્ચે રાજકીય પક્ષોએ મોટાપાયે નો રિપીટ થીયરીનો અમલ કરીને યુવાઓને તક આપી છે. આ યુવાઓને પોતાના વોર્ડની ફેરણી દરમિયાન મતદારો દ્વારા ખાટાંમીઠાં અનુભવ નજરે પડી રહ્યાંનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, આણંદ પાલિકાના ચૂંટણી જંગને એક સપ્તાહ જ બાકી છે. પરિણામે પ્રચાર અભિયાન તેજીથી ચાલી રહ્યું છે. ચરોતરમાં ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. ત્યારે આ વખતના જંગમાં બંને રાજકીય પક્ષ દ્વારા મોટાપાયે નો રિપીટ થીયરી અપનાવતાં યુવાનોને ટિકિટ ફાળવવામાં આવી છે. જાેકે, છેલ્લાં દસકથી પાલિકામાં વકરેલી ધ્રૃતરાષ્ટ અને શકુની નીતિના કારણે નવાંતુક ઉમેદવારને વોર્ડમાં પ્રચાર ફેરણી દરમિયાન ખાટાંમીઠાં અનુભવ થઈ રહ્યાં છે. ક્યાંક વિરોધ થાય છે તો ક્યાંક આવકારના કારણે યુવા ઉમેદવારો અસમંજસની પરિસ્થિતિમાં મૂકાઈ જતાં નજરે પડી રહ્યાં છે. બીજી બાજુ બંને પક્ષ દ્વારા બનાવવામાં આવેલી પેનલમાં એક એક જૂનાં જાેગીને સામેલ કર્યો હોય અગાઉના શાસન સમયે ક્યાંક સાંઠગાંઠ તો ક્યાંક વિસ્તારમાં સુવિધાની ઉપેક્ષા પણ ફેરણી દરમિયાન ભારે પડી રહ્યાંનું જાણવા મળેલ છે. આમછતાં મતદાન પૂર્વની રાતે શરાબ, કબાબ, ચવાણા કે અન્ય કોઈ ખેલ રચી સમુસુતરુંના ખેલ ફેરણીના વિરોધ વંટોળ છતાં પાર પડવાની આશા ઉમેદવાર દ્વારા સેવવામાં આવી રહી છે.