ઓકલેન્ડ 

પેસર લોકી ફર્ગ્યુસનની શાનદાર બોલિંગ અને જીમ્મી નિશમના અણનમ 48 રનની મદદથી ન્યુઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને વરસાદથી પ્રભાવિત થયેલા પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ડકવર્થ લુઈસ પદ્ધતિથી પાંચ વિકેટે હરાવી દીધું હતું. નીશમે ટી-20 ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો અને ડેવોન કોનવે (41 રન) સાથે 77 રનની ભાગીદારી કરી હતી.

નીશમે મીશેલ સેન્ટનર (અણનમ 31) રન સાથે પણ 39 રનની અતૂટ ભાગીદારી કરીને ન્યુઝીલેન્ડને ચાર બોલ બાકી રાખીને જીત અપાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રતમ બેટિંગ કરતાં સાત વિકેટના ભોગે 180 રન બનાવ્યા હતા. વરસાદને કારણે મેચ પ્રતિ ટીમ 16 ઓવરનો કરવામાં આવ્યો હતો. જવાબમાં ન્યુઝીલેન્ડે સંશોધિત લક્ષ્યાંનક પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરતાં 176 રન બનાવી લીધા હતા. 

વિન્ડિઝના કેપ્ટન કાયરન પોલાર્ડે 37 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા જેમાં આઠ છગ્ગા અને ચાર ચોગ્ગા સમાવિષ્ટ હતા. વરસાદને કારણે કેરેબિયન ઈનિંગમાં ત્રણ વખત ખલેલ પહોંચી હતી. ફર્ગ્યુસને પહેલા બોલે જ વિકેટ મેળવી લીધી હતી અને એ જ ઓવરમાં વધુ એક વિકેટ ખેડવી નાખી હતી. તેણે 21 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે એક સમયે 63 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કોનવેએ નિશમનો અદ્ભુત સાથ આપ્યો હતો.

કોનવેના આઉટ થયા બાદ નીશમ અને સેન્ટનરે ઈનિંગને સંભાળી લઈ જીત સુધી દોરી ગયા હતા. વિન્ડીઝના ઓશેન થોમસે 2, પોલાર્ડ-કોટ્રેલે 1-1 વિકેટ મેળવી હતી.