નવી દિલ્હી 

ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમના સાતમા ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં 6 ક્રિકેટરો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. કોરોનાના નિયમોનું પાલન કરવાની જગ્યાએ પાકિસ્તાની ખેલાડીઓ તમામ ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા હોવાથી ન્યૂઝીલેન્ડ સરકાર રોષે ભરાયેલી છે. હવે ન્યૂઝીલેન્ડ દ્વારા પાકિસ્તાની ક્રિકેટ ટીમને બાયો બબલ સિક્યુરિટીમાં રહેવા અંતિમ ચેતવણી આપવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, 53 સભ્યોની ટીમમાંથી પહેલા 6 અને હવે એક એમ સાત ખેલાડીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. બાકીનાના ટેસ્ટ નેગેટિવ છે. સીસીટીવી ફૂટેજથી ખબર પડી છે કે, હોટલમાં પાક ખેલાડીઓ સાથે ભોજન કરવા બેસે છે અને લોબીમાં પણ ફરતા હોય છે. હકીકતમાં ટીમે પહેલાં ત્રણ દિવસ હોટલમાં પોતાના રુમમાં જ રહેવાનું હતું. તેની જગ્યાએ ખેલાડીઓ હોટલમાં ફરતા જોવા મળ્યા હતા. આમાંથી એક પણ ખેલાડીએ ચહેરા પર માસ્ક પણ પહેર્યો નહોતો.

પાકિસ્તાની ટીમને છેલ્લી ચેતવણી આપી દેવાઈ છે. એ પછી પણ જો પાક ટીમ ગાઈડલાઈનનો ભંગ કરશે તો ક્રિકેટ ટુર રદ કરીને પાકિસ્તાની ટીમને ઘરે પણ મોકલી દેવાની ન્યૂઝીલેન્ડની તૈયારી છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડમાં 3 ટી 20 મેચ અને બે ટેસ્ટ મેચ રમવાની છે.