નડિયાદ : ખેડા જિલ્લાના છીપીયાલ ખાતે રૂ.૩.૩૫ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ઇ-લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અત્યંત આધુનિક સવલતો ધરાવતી શાળાઓનું નિર્માણ રાજ્યભરમાં થઇ રહ્યું છે ત્યારે સૌ વાલીઓ, આગેવાનો પણ રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટે સંગીન પ્રયાસો કરી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે એ માટે કટિબદ્ધ બને. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ મહત્વનું પરિબળ પૂરવાર થઇ રહ્યંુ છે. 

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના છીપીયાલ ખાતે રૂા.૩.૩૪ કરોડના ખર્ચે નવનિર્મીત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કરતાં શિક્ષણ મંત્રીએ કહ્યંુ હતું કે,  વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરંુ પાડવા માટે રાજ્ય  સરકારે શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવ્યંુ છે, જેનાં પરિણામે વિદ્યાર્થીઓને સુંદર સગવડ પૂરી પાડવા માટે આવા નવીન ભવનોનું નિર્માણ રાજ્યભરમાં કરાઇ રહ્યું છે.

છીપીયાલ ખાતે નવીન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બે માળમાં નિર્મિત થઇ છે, જેમાં ચાર ક્લાસરૂમ, લાયબ્રેરી, કમ્પ્યુટર રૂમ, લેબોરેટરી, વિદ્યાર્થીનીઓ માટે અલાયદો રૂમ, પ્લે ગ્રાઉન્ડ, પાર્કિંગ સહિત લેડીઝ અને જેન્ટ્‌સ અલગ અલગ ટોઇલેટ બ્લોક અને વોટર કુલરની સુવિધા ઊભી કરાઇ છે. રાજ્ય સરકારે સુંદર વ્યવસ્થા ઊભી કરીને ઘરઆંગણે જ ખાનગી શાળાને ટક્કર આપે એવી સુવિધાયુક્ત શાળા આપી છે. ત્યારે શિક્ષકો પણ તેનો યોગ્ય ઉપયોગ કરી શિક્ષણ સુવિધા આપે એ જરૂરી છે. તેમણે ઉમેર્યુ હતું કે, કોરોનાના કપરાં કાળમાં લોકડાઉન દરમિયાન તમામ વ્યવહારો બંધ હતાં એે સમયે ૧૫-૧૬ માર્ચથી શાળાઓ બંધ હતી. એ વખતે માત્ર ૧૦ દિવસમાં જ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અભ્યાસક્રમનું મટિરિયલ તૈયાર કરીને સ્માર્ટફોન દ્વારા શિક્ષકો, વાલીઓને પહોંચાડવું તથા જ્યાં કનેક્ટિવિટી ન હોય ત્યાં ઘરે ઘરે જઇને શિક્ષણ પહોંચાડવાનું અદભૂત કામ થયું તે માટે આપ સૌ અભિનંદનને પાત્ર છો.