અમદાવાદ-

અમદાવાદમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલમાં છેલ્લાં ૬૭ દિવસમાં મ્યુકોરમાઇકોસિસના કુલ ૯૮૪ દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી ૫૫૧ દર્દીઓના શરીરમાં ફૂગ ગંભીર રીતે પ્રસરી ચૂકી હોવાથી તેમની સર્જરી કરવામાં આવી હતી. અત્યારે સિવિલમાં મ્યુકોરમાઇકોસિસિના પહેલા કરતા ઓછા દર્દીઓ નોંધાઇ રહ્યાં છે. છેલ્લાં ૧૦ દિવસમાં નવાં દાખલ થતાં કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

સિવિલમાં જે ૫૫૧ દર્દીઓની સર્જરી કરવામાં આવી તેમાંથી આશરે ૧૨ દર્દીઓની આંખ કાઢી નાંખવી પડી છે. મ્યુકોરની સારવારમાં વપરાતા એમ્ફોટેરિસિન લાયફોસોમલ ઇન્જેક્શનના વિતરણ માટે સિવિલ દ્વારા હવે નિષ્ણાત તબીબોની સમિતિ રચવામાં આવી છે. આ ઉપરાંત આ ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા દ્વારા પુરા પાડવામાં આવે છે. દર્દીની શારીરિક જરૂરિયાત, ફૂગનો ચેપ અને બ્લડ રિપોર્ટના વિવિધ માપદંડોના આધારે ઇન્જેક્શન અંગે ર્નિણય કરવામાં આવે છે. બ્લેક ફંગસની સારવારમાં થનારા એન્ટી ફંગસ ઈન્ફેક્શનના ખર્ચને લઈને લોકો હેરાન થઇ રહ્યાં છે. હવે આવા દર્દીઓ અને તેમના પરિવાર માટે રાહતના સમાચાર એ છે કે, ડોક્ટરોએ એક એવી રીત શોધી છે જેનાથી ખર્ચ બે ગણો ઓછો થઈ શકે છે. કોરોના બાદ બ્લેક ફંગસ સામે લડી રહેલા દર્દીઓની સારવારના એક દિવસનો ખર્ચ લગભગ ૩૫ હજાર રુપિયા છે. જે ઓછો થઈને ફક્ત ૩૫૦ રુપિયા થઇ શકે છે. ડોક્ટરે સારવારની જે રીત શોધી છે તેમાં સાવધાનીથી દર્દીના બ્લડને ક્રિએટિનિન લેવલ પર નજર કરવાની છે. જે બાદ ઘણો ખર્ચ ઓછો થઈ જશે.