નવી દિલ્હી 

ડિયેગો મેરાડોનાનું 60 વર્ષની વયે હાર્ટ-અટેકથી નિધન થયું છે. બે સપ્તાહ પહેલાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે તેમને બ્રેન સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા હતા. મેરાડોના એક મહાન ફૂટબોલર હતા અને તેમણે 1986માં આર્જેન્ટીનાને વર્લ્ડ કપ જિતાડવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. ગોવા સરકાર ફૂટબોલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા આવતા વર્ષના પ્રારંભમાં આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મેરાડોનાની વિશાળ પ્રતિમા પૂર્વી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં સ્થાપિત કરશે. રાજ્ય સરકારના સીનિયર મંત્રી માઈકલ લોબોએ PTI ન્યૂઝ એજન્સીને કહ્યું કે, મેરાડોનાની પ્રતિમા પહેલીથી બની રહી છે. મહારાષ્ટ્રનો એક કલાકાર તેના પર કામ કરી રહ્યો છે.

લોબોએ 2018માં મેરાડોનાની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, પ્રતિમા કંડોલિમ અથવા કાલાંગુટેમાં સ્થાપિત થશે. મંત્રીએ કહ્યું કે, 350 કિલોગ્રામની પ્રતિમા ફૂટબોલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની પહેલનો એક ભાગ છે. મેરાડોના સિવાય પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની પ્રતિમા બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે. તેને રાજ્યના ઉત્તરીય જિલ્લામાં સ્થાપિત કરાશે.