અમદાવાદ, અમદાવાદના પીરાણા પીપળજ રોડ પર બનેલી આગકાંડની ઘટના સંદર્ભે આજે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તરફથી શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે લોકસુનાવણી યોજાઈ હતી.આ સુનાવણીમાં ભોગ બનનાર પરિવારજનોએ જણાવ્યું હતું કે,સરકારે જાહેર કરેલી ૪ લાખની સહાય મળી છે. પરંતુ કંપની દ્વારા જાહેર કરેલી ૧૫ લાખની સહાય મળી નથી. તેમજ કંપનીમાં વળતર અંગેની રજુઆત કરવામા આવી છે. આ પ્રકારની ઘટનાઓ વારંવાર ન બને તે અંગે પણ કેમિકલ કંપની દ્વારા વધુ કડક નિયમો અંગે રજુઆત કરી હતી. 

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અમે માત્ર ઘટનાના પુરાવા જ લીધાં છે. હજી આ ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે જેથી અમે સરકાર કે અન્ય અધિકારીઓ વિશે કશું કહી ના શકીએ. આજે માત્ર આઠ વ્યક્તિઓ જ આવ્યાં હતાં. જેમાં સાહિલ એન્ટરપ્રાઈઝ તરફથી કોઈ હાજર રહ્યું નહોતું. જેથી તેમને હવે સાંભળવામાં નહીં આવે. આજે માત્ર સાક્ષીઓને બોલાવીને તેમની રજુઆત સાંભળી છે, વધુમાં ટ્રીબ્યુનલે એવું પણ કહ્યું હતું કે ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ઘટી છે. જેથી કલેક્ટર અને કોર્પોરેશને તમામ વિગતો આપવી પડશે. આ બાબતે કમિટીની બેઠક મળશે જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. હાલમાં ટ્રીબ્યુનલે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ૧૫ લાખ તથા ઈજાગ્રસ્તને ૫ લાખ આપવાનો આદેશ કર્યો છે.